Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડને લઈ સરકાર એક્શનમાં છે. ડૉક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે
Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડને લઈ સરકાર એક્શનમાં છે. ડૉક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે. સરકાર તરફથી સોલા સિવિલના ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા હતા. વસ્ત્રાપુર પોલીસ ફરિયાદમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર કાર્તિક પટેલ, ડૉક્ટર સંજય પાટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બી.એન.એસ ફેક્ટની સેક્શન 105, 110, 336 (2), 336 (3), 340 (1), 340 (2), 318, 61 કલમ હેઠળ એફ આઈ આર નોંધવામાં આવી છે.
કડી પોલીસ મથકમાં પણ બે અલગ અલગ પોલીસ ફરીયાદ દાખલ થઈ છે. બંન્ને મૃતક દર્દીના સ્વજનોએ ડો. પ્રશાંત વજીરાણી, ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પાટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરી છે.
આ તરફ ખ્યાતિ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રદ કરી દેવાઈ છે. તો ઑપરેશન કરનાર ડૉક્ટરો પણ ઑપરેશન કરી શકશે નહીં. જે 7 વ્યક્તિનું ઓપરેશન કરાયું તેમને કોઈ બ્લોકેજ ન હોવાનો પણ ખુલાસો થયો છે તેમ છતાં ખ્યાતિ હોસ્પિટલે પેપર તૈયાર કરી 90 ટકા બ્લોકેજ હોવાનું દર્શાવી ઑપરેશન કરી નાખ્યું હતું. એટલે કે ખ્યાતિ હોસ્પિટલે જે ડોક્યૂમેન્ટ બનાવ્યા હતા એ તમામ ખોટા હતા. આ દર્દીઓ પૈકી જે દર્દીઓના સ્ટેન્ટ મુકવામાં આવેલ તેમની એન્જિયોગ્રાફીના ફીજીકલ ફાઇલની અંદરના રીપોર્ટ અને એન્જિયોગ્રાફીની સી.ડીમાં પણ વિસંગતતા આવી હતી. રિપોર્ટમાં જે દર્દીની ધમનીઓ બ્લોકેજ બતાવવામાં આવ્યું છે તેવું બ્લોકેજ સી.ડી.માં જોવા મળ્યું નથી. સાથે જ દર્દીની એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવા અંગે દર્દીની કે દર્દીના સગાની મેડીકલ પ્રોટોકોલ પ્રમાણે સંમતિ પત્ર લેવાયું નહોતું.
આરોગ્ય વિભાગના અગ્રસચિવે પણ કહ્યું હતું કે કોઇ પણ દર્દીને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર નહોતી. ખ્યાતિ હોસ્પિટલે 7 વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. જેના પરિણામે સાત પૈકી બે વ્યક્તિના મોત થયા હતા. ખ્યાતિ હોસ્પિટલે કડીના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યો હતો. જ્યાંથી 19 ગ્રામજનોને બસમાં અમદાવાદ લાવી તેઓની એન્જિયોગ્રાફી કરી હતી જે પૈકી 7 વ્યક્તિની તો એન્જિયોપ્લાસ્ટી પણ કરી દીધી હતી. તેમાના 2 વ્યક્તિના મોત થયા હતી. આ ઘટનાને લઈને રાજ્ય સરકારે ડૉક્ટરોની ટીમ પાસે તપાસ કરાવી હતી જેમાં ખ્યાતિ હોસ્પિટલના કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ પ્રેસ કૉન્ફ્રેસમાં જાહેરાત કરી કે, હવે ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાશે.
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ