Chitralekha: જાણીતા ગુજરાતી મેગેઝિન ચિત્રલેખાના સહસંસ્થાપક મધુરી કોટકનું નિધન, PM મોદીએ ટ્વિટ કરી કહી આ વાત
Ahmedabad : ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકનું 92 વર્ષની વયે નિધન થયું છે. જેના પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ છે.
Ahmedabad News: ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકનું 92 વર્ષની વયે નિધન થયું છે. જેના પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “ચિત્રલેખા” પરિવારના મધુરીબેનના અવસાનથી દુઃખી છું. એમનું અવસાન વાચક જગત માટે મોટી ખોટ છે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ !!
“ચિત્રલેખા” પરિવારના મધુરીબેનના અવસાનથી દુઃખી છું. એમનું અવસાન વાચક જગત માટે મોટી ખોટ છે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ !!
— Narendra Modi (@narendramodi) January 6, 2023
મધુરીબેન કોટકે કારકીર્દિની શરુઆત ફોટોગ્રાફીથી કરી હતી. તેઓ 60 અને 70ના દાયકામાં ખૂબ જાણીતા મહિલા ફોટોગ્રાફર હતા. દેશના પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઇ વ્યારાવાલા પછી મહિલા ફોટોગ્રાફરમાં સૌથી વધુ જાણીતુ નામ મધુરીબેન કોટકનું છે. તેમણે ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટક પાસેથી જ પત્રકારત્વ અને ફોટોગ્રાફીના પાઠ શીખ્યા હતા.
જો કે તેમનું નામ ‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક તરીકે પણ ખૂબ જ જાણીતુ બન્યુ. તેમણે ‘ચિત્રલેખા’ સિવાય ‘બીજ’ અને ‘જી’ ફિલ્મ મેગેઝિન માટે પણ ઘણો અમૂલ્ય ફાળો આપ્યો છે. પતિની હયાતીમાં આ સામયિકોનાં સંપાદન અને પ્રકાશનકાર્યમાં મર્યાદિત ફાળો આપતાં મધુરીબેન કોટકે, વજુ કોટકના અવસાન પછી તે અંગેની સમગ્ર જવાબદારી સંભાળી લીધી હતી. આ ત્રણેય મેગેઝીનમાં મધુરીબેન કોટકના ફોટોગ્રાફ્સ છપાતા હતા. મધુરીબહેનના પત્રકારત્વક્ષેત્રના આ સાહસમાં શરૂઆતમાં જે કેટલાક લેખક મિત્રોનો સાથ સહકાર મળ્યો હતો. જેમાં કવિ, લેખક અને સિનેપત્રકાર વિજયગુપ્ત મૌર્ય, જિતુભાઈ મહેતા, કવિ વેણીભાઈ પુરોહિત, હરીશ બૂચ તથા નવલકથાકાર સ્વ. હરકિસન મહેતા વિશેષ ગણી શકાય છે.
1949માં લગ્ન
મધુરીબેન કોટકના પિતા જીવરાજભાઈ રૂપારેલ મૂળ ભાવનગરના હતા. મધુરીબેનના માતાનું નામ દિવાળીબેન હતુ. મધુરીબેન કોટક જીવરાજ રૂપારેલ અને દિવાળીબેનના નવ સંતાનોમાંથી ચોથા સંતાન હતા. 1949માં વજુ કોટક સાથે તેમના લગ્ન થયા હતા. 1959માં વજુભાઇ કોટકનું નિધન થયું હતું. એટલે કે વજુભાઇ કોટક અને મધુરીબેન કોટકનું દાંપત્ય જીવન માત્ર દસ વર્ષનું જ રહ્યું હતુ. વજુભાઇ કોટકના અવસાન પછી ‘ચિત્રલેખા’, ‘બીજ’ અને ‘જી’ આ ત્રણેય મેગેઝીનની જવાબદારી મધુરીબેન કોટકે સંભાળી લીધી હતી.એટલું જ નહીં, પરંતુ તેમને વધુ લોકપ્રિય બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. 2001માં ‘વજુ કોટક, વ્યક્તિ-પત્રકાર-લેખક’ અને ‘વજુ કોટકનો વૈભવ’ પુસ્તકોનું સંપાદન કર્યું.