Ahmedabad: એક જ દિવસમાં શહેરમાં કેટલા સ્થળને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવતાં મચ્યો ખળભળાટ, જાણો વિગત
Ahmedabad Corona Cases Update: અમદાવાદ સહિતનાં શહેરોમાં કોરોનાના કેસો વધતાં લોકોમાં ચિંતા છે અને કોરોનાના ટેસ્ટ માટેના ડોમ પર લોકોની લાંબી લાઈનો લાગી રહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે અને સૌથી વધુ ખતરો રાજ્યનાં મોટો શહેરોમાં છે. અમદાવાદ સહિતનાં શહેરોમાં કોરોનાના કેસો વધતાં લોકોમાં ચિંતા છે અને કોરોનાના ટેસ્ટ માટેના ડોમ પર લોકોની લાંબી લાઈનો લાગી રહી છે.
અમદાવાદમાં એક જ દિવસમાં નવ સ્થળને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા. શહેરમાં 45 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે 9 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. મણિનગર, ઘોડાસર, ખોખરા, નારણપુરા, સરખેજ, બોપલ અને થલતેજમાં 117 ઘરોના 478 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 4 કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા છે. શહેરમાં સોમવારે કોરોનાના નવા 126 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મોત થયું હતુ. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 400 થઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણી પૂર્ણ થયા બાદ શહેરમાં ફરી એક વખત કોરોનાના ટેસ્ટ કરાવવા માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા છે. આ ડોમ ઉપર ટેસ્ટ કરાવવા આવતા લોકોની કતારો પણ હોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધ્યા છે. અમદાવાદ શહેરના કોરોના ડોમના દ્રશ્યો અને આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ચૂંટણી બાદ ફરી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી રાજ્યમાં કોરોનાનાં દરરોજ 500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
સોમવારે રાજ્યમાં 555 નવા કેસ નોંધાયા હતા જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 266313 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.22 ટકા પર પહોંચ્યો છે. હાલ 3212 એક્ટિવ કેસ છે. જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3171 લોકો સ્ટેબલ છે.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 15,01,253 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,57,654 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,08,226 લોકોને રસી આપવામાં આવી છે.