અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને લઈ મનપાએ શરુ કરી આ ખાસ કામગીરી ? જાણો વધુ વિગતો
અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મનપાએ આજથી ઘરે વેકસિન આપવાની કામગીરી શરૂ કરી છે. 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ કે પછી દિવ્યાંગ નાગરિકોના ઘરે જઈને વેક્સીન આપવામાં આવી હતી.
અમદાવાદ: અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ આજથી ઘરે વેકસિન આપવાની કામગીરી શરૂ કરી છે. 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ કે પછી દિવ્યાંગ નાગરિકોના ઘરે જઈને વેક્સીન આપવામાં આવી હતી. મધ્યઝોનમાં 66 વર્ષના કરોડરજ્જૂની સમસ્યાથી પીડિત દર્દીને વેક્સીન અપાઈ હતી. નાગરિકો આ યોજનાનો લાભ લેવા માટે સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી ahmedabadcity.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે બાદ વેક્સિન લેનારે નક્કી કરેલા સમયે મનપાની ટીમ તેમના ઘરે જઈને વેક્સિન આપશે.
આ યોજના હેઠળ જો 50 વર્ષથી વધુ ઉંમરના હોય અને તે વેક્સિનેશન સેન્ટર પર આવવાને બદલે પોતાના ઘરે જ વેક્સિન મેળવવા ઈચ્છતી હોય તો તેવા સંજોગોમાં તેમના ઘરે જઈને પ્રથમ અથવા બીજો ડોઝ મહાનગરપાલિકા આપશે. આ સિવાય 18 વર્ષથી વધુ ઉંમરના દિવ્યાંગ વ્યક્તિ પણ જો ઈચ્છે તો મહાનગર પાલિકાની ટીમ તેમના ઘરે જઈને રસી આપશે. આ માટે ઝોન હેલ્થ વિભાગ રજીસ્ટ્રેશનનું વેરિફિકેશન કરશે. રજીસ્ટ્રેશન માટે લાભાર્થીએ તેમાં વેક્સિન લેવાની તારીખ અને સમય દર્શાવવાનો રહેશે. અત્યારસુધી શહેરની 97 ટકા વસ્તીને પ્રથમ ડોઝ અને 49 ટકા વસ્તીને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.
શહેરમાં પાંચ ઓકટોબર સુધીમાં 97 ટકા લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને 49 ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 6684515 ડોઝ અપાયા છે. જે પૈકી 44,79,779 લોકોને પહેલો અને 22,04,736 લોકોને બંને ડોઝ અપાયા છે. ઘરે બેઠા વેક્સિન લેવા માટે 6357094244 અથવા 6357094227 નંબર ઉપર સવારના નવથી રાતના નવ સુધી વેકિસન લેવા રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સિવાય મ્યુનિ.ની વેબસાઈટ ઉપર પણ રજીસ્ટ્રેશન થઈ શકશે. રજીસ્ટ્રેશન સમયે લાભાર્થી જે સમયે ઘેર હોય એ સમય અને તારીખ દર્શાવવાના રહેશે.
ગુજરાતમાં કોરોનાના કેસ
ગુજરાતમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે. આજે 3,33,309 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 179 નાગરિકો સ્ટેબલ છે. 8,15,794 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, ખેડામાં એક અને મહેસાણામાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.