AHMEDABAD : ડુપ્લીકેટ માર્કશીટ બનાવી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ ઝડપાયું, ત્રણ આરોપીઓની ધરપકડ
AHMEDABAD NEWS : માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી.
AHMEDABAD : અમદાવાદમાં : ડુપ્લીકેટ માર્કશીટ બનાવી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. વિદેશમાં મોકલવાની માર્કશીટમાં ચેડા કરીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલિસબ્રિજ પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને ડુપ્લીકેટ માર્કશીટ જપ્ત કરી છે. વિદેશ જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓ આવી ટોળકીનો ભોગ બને છે.
સામાન્ય રીતે કોઈ પોતાનું કેરિયર બનાવવા તો કોઈ બેરોજગાર પોતાની જીવન ભર બચાવેલી મૂડીથી વિદેશ જવા માટે સપના જોતા જોતા ભેજાબાજ સકંજામાં ફસાઈ જાય છે.લોકોના જીવન, સપના, આશાઓ સાથે ચેડાં કરતા આ આરોપીનો એલિસબ્રિજ પોલીસે પર્દાફાશ કર્યો છે.
30થી વધુ ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત
આંબાવાડી પાસે ફાઈવ સ્ટાર વિઝા ઓફિસના મનીષ ઝવેરી, નીરવ વખરીયા અને જીતેન્દ્ર ઠાકોરે ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલીને કૌભાંડ આચર્યું છે. માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે.
આરોપીઓ વિદ્યાર્થીઓની ધોરણ-12ની માર્કશીટમાં ચેડાં કરી બોગસ માર્કશીટના આધારે UKમાં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે 30થી વધુ ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી છે.
56 માર્કસના નકલી માર્કશીટમાં 76 કે 86 કરી દેતા
વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTS ની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે. પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTS જો પાસ નથી કરી શકતા તેમની માર્કશીટમાં ચેડા કરીને આ આરોપીઓ વિદેશમાં એડમિશન કરાવે છે. જે વિદ્યાર્થીઓના 12 ધોરણમાં અંગ્રેજીમાં 70થી વધુ માર્ક્સ આવેલા હોય તેમનું UKમાં એડમિશન થઈ જાય છે. જેથી આરોપી અસલી માર્કશીટના માર્ક્સમાં ચેડા કરતો હતો. 56 માર્કસના 76 કે 86 કરતો અને માર્કશીટની ઝેરોક્ષ કાઢીને UKની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો હતો.
જો વિદ્યાર્થીનું એડમિશનનું નક્કી થઈ જાય તો આરોપી અસલી માર્કશીટમાંથી ગુજરાત એજ્યુકેશન બોર્ડ ની સાઇનિંગ વાળો સિક્કો કાઢીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને વિધાર્થીને વિદેશ મોકલતો હતો.
કૌભાંડી મનીષ ઝવેરી લોકોને વિદેશ જવાના અવેરનેસના પ્રોગ્રામ પણ કરતો હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં માર્કશીટ કૌભાંડમાં અનેક વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. એલિસબ્રિજ પોલીસે આ માર્કશીટ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.