Ahmedabad News: રામભક્તો માટે આવ્યા સારા સમાચાર, અમદાવાદ- અયોધ્યા વચ્ચે શરૂ થશે નોન સ્ટોપ ફ્લાઇટ
Ahmedabad News: રામલલ્લાની મંદિરમાં સ્થાપના કરવાને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
Ahmedabad News: રામભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડા દિવસો બાકી છે. રામલલ્લાની મંદિરમાં સ્થાપના કરવાને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લા મંદિરમાં સ્થાપિત કરાશે.
આ બધા વચ્ચે ભવ્ય સમારંભને નિહાળવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. ગુજરાતથી આ કાર્યક્રમમાં સામેલ થવા જનારા લોકોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન 11 જાન્યુઆરીથી થશે.
ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે. આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે. આ ફ્લાઈટ માટે ભક્તોએ મહત્તમ ભાડું 3999 જ ચૂકવવાનું રહેશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે.
અયોધ્યાનું રામ મંદિર એટલા માટે પણ ખાસ છે કારણ કે લગભગ 500 વર્ષની લાંબી લડાઈ બાદ શ્રી રામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ શક્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશના લગભગ ચાર વર્ષ બાદ અયોધ્યામાં નિર્માણ કાર્ય શરૂ થયું, જેમાં લગભગ 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યામાં એવું રામ મંદિર બનાવવામાં આવ્યું છે, જેને આવતા હજાર વર્ષ સુધી કોઈ સમારકામની જરૂર નહીં પડે. એટલું જ નહીં, નાગર શૈલીમાં બનેલા રામલલ્લાના આ ભવ્ય મંદિરની ઓળખ યુગો સુધી રહેશે. મંદિરને પ્રખ્યાત આર્કિટેક્ટ ચંદ્રકાંત ભાઈ સોમપુરા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આગામી મહિને 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન આયોજન થઇ રહ્યું છે. રામ મંદિરમાં પ્રવેશ માટે માત્ર આમંત્રણ પત્ર પૂરતું નથી, પરંતુ આમંત્રણની સાથે એક લિંક પણ શેર કરવામાં આવશે. જેના પર રજીસ્ટ્રેશન કર્યા બાદ એક કૉડ આવશે, એટલે કે આ કૉડ સાથે રામ મંદિરમાં પ્રવેશ મળશે. ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર જે મહેમાનોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. આમંત્રણની સાથે તેમની સાથે એક લિંક પણ શેર કરવામાં આવશે. આ લિંક પર ક્લિક કર્યા બાદ તેનું રજીસ્ટ્રેશન થઈ જશે.નોંધણી પછી, એક બાર કૉડ આવશે, જેના પછી તમે રામ મંદિરમાં પ્રવેશ કરી શકશો. ભગવાન રામલલાના અભિષેક માટે 4 હજાર સંતો સહિત વિવિધ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.આ મહેમાનોમાં RSS ચીફ મોહન ભાગવત, ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા નામ સામેલ છે.