Canada: વિદેશ જવાની ઘેલછા રાખતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, કેનેડા જવાની લાલચમાં ગુમાવ્યા 15 લાખ
દિલ્હીના એક એજન્ટે કેનેડામાં વર્ક પરમિટ વિઝા અને કંપનીમાં નોકરી આપવાના બહાને ગ્રાહક પાસેથી ટુકડે-ટુકડે 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એજન્ટે ગ્રાહકને કતાર એરવેઝની ટિકિટ પણ મોકલી આપી હતી.
Ahmedabad: કોરોના કાળ બાદ હાલ મોટી સંખ્યામાં લોકો કેનેડા જઈ રહ્યા છે. લોકોમાં સારું જીવન જીવવા અને કમાણી કરવા વિદેશ જવાની ઘેલછા હોય છે. આ ઘેલછા ક્યારેક તેમને લેભાગુઓ સુધી ખેંચી જાય છે. આવી જ એક ઘટના અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાન્ચમાં નોંધાઇ છે. જ્યાં સોશિયલ મીડિયા દ્વારા એક પરિવાર કેનેડા જવા માટે લેભાગુ એજન્ટના સંપર્કમાં આવ્યો અને 15 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે.
15 લાખ પડાવીને ટિકિટ પણ મોકલી આપી
દિલ્હીના એક એજન્ટે કેનેડામાં વર્ક પરમિટ વિઝા અને કંપનીમાં નોકરી આપવાના બહાને ગ્રાહક પાસેથી ટુકડે-ટુકડે 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એજન્ટે ગ્રાહકને કતાર એરવેઝની ટિકિટ પણ મોકલી આપી હતી. પરંતુ ગ્રાહકને વિઝાની કેટેગરી અંગે સ્પષ્ટતા ન થતા અને એજન્ટ પર શંકા જતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમે એજન્ટના મળતીયા એવા દિપક પુરોહિતની વડોદરાથી ધરપકડ કરી હતી. તો દિલ્હીના મુખ્ય આરોપી એવા સુનિલ કુમારને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
કેનેડાના ઈમિગ્રેશન લોયર તરીકે આપી ઓળખ
સુનિલ કુમારે કેનેડાના ઇમિગ્રેશન લોયર તરીકે પરિવારને પોતાની ઓળખ આપી હતી. સાથે જ કેનેડાના વર્ક પરમીટના વિઝા અને એક કંપનીમાં સ્ટોર કીપર તરીકે નોકરી આપવાનું કહ્યું હતું. આ નોકરીમાં ફરિયાદી દંપતીને મહિને 3650 કેનેડિયન ડોલરના પગારની લાલચ આપવામા આવી હતી. ફરિયાદી દંપતી કેનેડા જશે અને 30 લાખ રૂપિયા એજન્ટને આપવાનું નક્કી થયું હતું. જેની પ્રોસેસ પેટે શરૂઆતમાં કુલ 60 હજાર રૂપિયા એજન્ટે લીધા હતા. ત્યારબાદ વડોદરાના અન્ય એક એજન્ટને પાસપોર્ટ અને જરૂરી કાગળીયા આપવા જણાવ્યું હતું. પ્રોસેસ બાદ એજન્ટે ફરિયાદીને વોટ્સએપ પર ફલાઈટની ટિકિટ મોકલી હતી. પરંતુ વિઝા અંગે વધુ પૂછપરછ માટે ફરિયાદીએ એજન્ટને ફોન કરતા બંને આરોપીઓએ ફોન સ્વીચઓફ કરી દીધા હતા. જેથી ફરિયાદીને શંકા જતા અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ એજન્ટે છેલ્લા ચારથી પાંચ મહિનામાં ત્રણથી ચાર લોકોને આવી રીતે ઠગીને 01 કરોડનો ફ્રોડ કર્યાની આશંકા અમદાવાદ સાયબર ક્રાઇમને છે.
જે કાર્યકરોએ ભાજપ ના છોડને પરસેવો અને પાણી આપ્યું તેને ભાજપ હવે કાપી રહ્યો છે: જગદીશ ઠાકોર
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજ્યમાં ધીમે ધીમે ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આજે ભાવનગર આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જય નારાયણ વ્યાસ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, જય નારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષથી કપાઈ છે તેમ છતાં તેઓ 15 વર્ષ કેમ ભાજપમાં રહ્યા. હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થાય છે, જે કાર્યકરોએ ભાજપના છોડને પરસેવો અને પાણી આપ્યું તેને ભાજપ હવે કાપી રહ્યો છે. કાર્યકરો પોતાના દુઃખ ના કારણે પાર્ટી છોડી રહ્યા છે. જગદીશ ઠાકોરે કહ્યું, આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી. પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી એક મહિનો અહીં મુકામ કરે તો પણ ભાજપની સત્તા આવવાની નથી.