દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
નવી દિલ્હીમાં ગુરુવારે સવારે સરેરાશ AQI 430 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે
Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણને કારણે સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. તેને જોતા દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. વધતા પ્રદૂષણને કારણે મુખ્યમંત્રી આતિશીએ આદેશ આપ્યો હતો. આગામી આદેશ સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં માત્ર ઓનલાઈન ભણાવવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ગુરુવારે સવારે સરેરાશ AQI 430 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારે બુધવારે સરેરાશ AQI 349 નોંધાયો હતો.
Due to rising pollution levels, all primary schools in Delhi will be shifting to online classes, until further directions.
— Atishi (@AtishiAAP) November 14, 2024
પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચતા CAQM એ ગુરુવારે દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) માં GRAP ફેઝ-3 હેઠળ નિયંત્રણો લાદ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ગુરુવારે સતત બીજા દિવસે 'ગંભીર' કેટેગરીમાં રહી હતી, જેના કારણે સત્તાવાળાઓએ પ્રદૂષણ વિરોધી કડક પગલાં લાદવાનું સૂચન કર્યું હતું જે શુક્રવારથી અમલમાં આવશે.
આતિશીએ 'X' પર લખ્યું હતું કે "વધતા પ્રદૂષણ સ્તરને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં આગામી આદેશ સુધી ઑનલાઇન વર્ગો ચાલશે. CAQM એ ગ્રેડ્યુઅલ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ત્રીજા તબક્કા હેઠળ કેટલાક નિયંત્રણો લાદ્યા છે, જેમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.
AQI ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે
સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, ગુરુવારે સવારે 7:15 વાગ્યા સુધી રાજધાની દિલ્હીમાં સરેરાશ AQI 430 પોઈન્ટ રહ્યો. જે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારે દિલ્હી NCR શહેર ફરીદાબાદમાં સ્કોર 284 છે, ગુરુગ્રામ 309 છે, ગાઝિયાબાદ 375 છે, ગ્રેટર નોઇડા 320 છે અને નોઇડા 367 છે.
કયા વિસ્તારમાં કેટલો છે AQI?
ગુરુવારે રાજધાની દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI સ્તર 400થી ઉપર ગયું છે જેમાં અલીપુરમાં 420, આનંદ વિહારમાં 473, અશોક વિહારમાં 474, આયા નગરમાં 422, બવાનામાં 455, ચાંદની ચોકમાં 407, ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં 417, દ્વારકા સેક્ટર 8માં 458, આઈજીઆઈ એરપોર્ટમાં 434, જહાંગીરપુરીમાં 471, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં 408, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 444 અને મંદિર માર્ગમાં 440 એક્યૂઆઇ નોંધાયું હતું.
આ ઉપરાંત મુંડકામાં 407, નજફગઢમાં 457, નરેલામાં 438, નોર્થ કેમ્પસ DUમાં 421, NSIT દ્વારકામાં 425, ઓખલા ફેઝ 2માં 440, પંજાબી બાગમાં 459, પુસામાં 404, શાદીપુરમાં 427, સિરી ફોર્ટમાં 438, સોનિયા વિહારમાં 444, અને વજીરપુરમાં 467 એક્યૂઆઇ નોંધાયો હતો.