Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
જ્યારે અમરેલીમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી પર પહોંચ્યું હતું.
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે સંઘ પ્રદેશ દીવ સહિત રાજ્યના નવ શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીની અસર જોવા મળી રહી છે. ગુરૂવારે કેશોદમાં સૌથી નીચું 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે અમરેલીમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી પર પહોંચ્યું હતુ. આ તરફ વડોદરામાં 18 ડિગ્રી, તો મહુવામાં 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
સંઘ પ્રદેશ દીવમાં 18.2 ડિગ્રી, તો નલિયામાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 19.1 ડિગ્રી, પોરબંદરમાં 19.3 ડિગ્રી, ડીસામાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં લઘુતમ તાપમાનનો પારો 19.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. આ તરફ અમદાવાદમાં 20.8 લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજથી ઠંડીનો ચમકારો વધી શકે છે અને આગામી પાંચ દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16થી 18 સુધી પહોંચવાની શક્યતા છે.
આ વર્ષે લા નીનાની અસરને કારણે કડકડતી ઠંડી પડશે. પરંતુ લા નીના હજુ સુધી પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયું નથી. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે ડિસેમ્બરમાં લા નીનાની સ્થિતિ સર્જાશે તો પણ તે નબળી રહેશે. સમયગાળો પણ ઓછો હશે. આનાથી શિયાળાના મહિનાઓમાં અતિશય ઠંડી કે વધુ હિમવર્ષા થશે નહીં.
ભારતનું હવામાન પ્રશાંત મહાસાગરની સ્થિતિ પર આધારિત છે. અલ નીનો પ્રશાંતના પાણીના ગરમ થવાથી અને લા નીના ઠંડકને કારણે ટ્રિગર થાય છે. સામાન્ય રીતે લા નીના એપ્રિલ મહિનામાં સક્રીય થાય છે. તે નવેમ્બરમાં ટોચ પર આવે છે અને માર્ચ સુધીમાં સમાપ્ત થાય છે પરંતુ આ વખતે નવેમ્બર અડધો પસાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી લા નીનાના કોઈ સંકેત નથી.
હવામાન વિભાગ (IMD)એ લા નીના મે સુધીમાં એક્ટિવ થવાની આગાહી કરી હતી. પરંતુ પેસિફિક મહાસાગરની સપાટી પર હજુ પણ તટસ્થ સ્થિતિ પ્રવર્તી રહી છે, જે દર્શાવે છે કે જો લા નીનાની સ્થિતિ આગામી મહિના સુધીમાં વિકસિત થશે તો પણ તે નબળી રહેશે. સમયગાળો પણ ઓછો હશે.
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય