(Source: ECI/ABP News/ABP Majha)
News: અમદાવાદમાં વાનરના આતંકને જોતા વેપારીઓએ શરૂ કર્યો લાકડી-ધોકાનો વેપાર, 50 થી 200 રૂ.માં કરી રહ્યાં છે વેચાણ
Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક દેખાઇ રહ્યો છે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વાનરોએ આતંક મચાવ્યો છે અને કેટલાક લોકો પર હુમલો કર્યો છે
Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક દેખાઇ રહ્યો છે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વાનરોએ આતંક મચાવ્યો છે અને કેટલાક લોકો પર હુમલો કર્યો છે, એએમસીની ટીમે પણ વાનરના આતંકને રોકવા માટે અલગ અલગ ટીમો તૈનાત કરી છે. પરંતુ વધુ સુરક્ષા માટે અમદાવાદીઓએ લાકડીઓ અને ધોકા ખરીદવાની શરૂઆત કરી છે. તાજા અપડેટ પ્રમાણે, વસ્ત્રાલમાં વિરાટ નગરથી વેપારીઓ લાકડીઓ ભરેલી ટેમ્પો લઇને વેચાણ માટે પહોંચ્યા હતા, એટલે કે વાનરનો આતંક વધતા લાકડીઓ અને ધોકાનો વેપાર વધ્યો છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વાનરનો આતંક વધ્યો છે. વાનર લોકો પર હુમલો કરી રહ્યાં છે. એએમસી પણ એક્શનમાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે ધોકા અને લાકડીઓ વેચનારા વેપારીઓ એક્શનમાં આવ્યા છે, તેમને આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી ફરીને લાકડીઓ અને ધોકા વેચવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં જ વસ્ત્રાલમાં વાનરોના આતંક સામે રક્ષણ માટે વિરાટ નગરના વેપારીઓ નવો નુસ્ખો અપનાવ્યો, તેને લાકડીઓ અને ધોકા ભરેલી ટેમ્પો સોસાયટી અને રેસિડેન્સીની સામે વેચાણ માટે ઉભી કરી દીધી, આ લાકડીઓ અને ધોકા આ વિસ્તારોમાં 50 થી લઇને 200 રૂપિયાની કિંમતમાં વેચાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસથી શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વાનરોનો આતંક જોવા મળી રહ્યો છે. લગભગ એક ડઝનથી વાનરોને પકડવામાં આવ્યા છે, છતાં આતંક ઓછો નથી થઇ રહ્યો. વાનરના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયેલો છે.
આ પહેલા પણ અમદાવાદ અને મહેસાણામાં વાનરોએ મચાવ્યો હતો આતંક
જ્યમાં એક પછી એક કપિરાજના હુમલાના કિસ્સા સામે આવી રહ્યાં છે, અમદાવાદમાં પણ આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજે આતંક મચાવ્યો છે, કપિરાજે 30 લોકોને બચકાં ભરીને ઘાયલ કરી દીધા છે. આ ઘટના સરખેજના રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારોમાં ઘટી છે. છેલ્લા પાંચ દિવસથી સરખેજમાં કપિરાજની ટોળીનો આતંક વધ્યો છે. આ ઘટના બાદ લોકોમાં ફફડાટ છે, અને લોકોને લાકડી સાથે રાખીને ફરવાની ફરજ પડી છે.
અમદાવાદમાં પણ હવે કપિરાજનો આતંક સામે આવ્યો છે, એક પછી એક 30 લોકોને કપિરાજે પોતાનો શિકાર બનાવતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. સરખેજમાં કપિરાજે 30 લોકોને બચકાં ભરી લેતા લોકોને હવે હાથમાં લાકડીઓ લઈને ફરવુ પડી રહ્યું છે. આ ઘટના મામલે સ્થાનિકોનું કહેવું છે કે સરખેજ રોજા, ચિકુની વાડી સહિતના વિસ્તારોમાં એક મહિનાથી કપિરાજનો આતંક સતત વધ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી તો ત્રણ-ચાર કપિરાજની ટોળીએ એટલી બધી હદ વટાવી છે કે, કેટલાક લોકોને તો હાથે કે પગે આઠ-દસ ટાંકા લેવા પડે એવી રીતે તેમના પર હુમલા કર્યા છે. કપિરાજનો આતંક માત્ર સરખેજ પૂરતો રહ્યો નથી, પરંતુ એરપોર્ટના પાર્કિંગ એરિયામાં કપિરાજની ટોળી થોડા દિવસ પહેલા ઘૂસી આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી, કપિરાજને રન-વે પર આવતાં રોકવા જીપ દોડાવવી પડી હતી.
માત્ર અમદાવાદ જ નહીં મહેસાણા જિલ્લામાં પણ કપિરાજનો આતંક વધ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ કડી તાલુકાના ધરમપુર ગામમાં કપિરાજે વધુ બે લોકોને બચકા ભરી લીધા હતા, અત્યાર સુધીમાં કપિરાજે 20થી વધુ લોકોને બચકાં ભરી લીધા છે. ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી કપિરાજનો આતંક છે. વન વિભાગને જાણ કરવા છતા કોઈ પગલા ના ભરાયા ભરાયા હોવાનું લોકો કહી રહ્યાં છે. હાલ ગામના લોકોમાં ભયનો માહોલ છે.