અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા: રાજસ્થાન ‘વનરક્ષક ભરતી-૨૦૨૦’ના પેપર લીક કૌભાંડનો વોન્ટેડ અને ઈનામી આરોપી કાગડાપીઠ વિસ્તારમાંથી ઝડપાયો
Ahmedabad Police big success: પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે રાજસ્થાન સરકાર દ્વારા લેવાયેલી "વનરક્ષક ભરતી-૨૦૨૦" ના પેપર લીક કૌભાંડમાં સામેલ હતો.

Ahmedabad Police big success: અમદાવાદ શહેરની કાગડાપીઠ પોલીસે સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં, રાજસ્થાનના ચકચારી ‘વનરક્ષક ભરતી પરીક્ષા-૨૦૨૦’ના પેપર લીક પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી રહેલો અને જેના માથે ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું, તેવા રાજસ્થાનના કુખ્યાત આરોપીને ગીતામંદિર વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશન બાદ કાગડાપીઠ પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીનો કબજો રાજસ્થાન SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને સોંપ્યો છે.
ગુપ્ત બાતમીના આધારે ‘ઓપરેશન’ પાર પડાયું
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટે અપાયેલી કડક સૂચનાઓના અનુસંધાને, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ સતત કાર્યરત હતા. આ દરમિયાન, ગોહિલને એક વિશ્વસનીય ખાનગી બાતમી મળી હતી કે, રાજસ્થાનના પેપર લીક કૌભાંડનો વોન્ટેડ આરોપી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આશ્રય શોધી રહ્યો છે અને તે ગીતામંદિર બસ સ્ટેશન આસપાસની હોટલોમાં રોકાણ કરવા માટે ફરી રહ્યો છે.
ગીતામંદિર બસ સ્ટેશન પાસેથી આરોપીની ધરપકડ
બાતમીની ગંભીરતાને ધ્યાનમાં લઈ, પી.આઈ. એસ.એ. ગોહિલે તાત્કાલિક અલગ-અલગ ટીમોની રચના કરી હતી. પોલીસ જવાનોએ ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ અને આસપાસના હોટલ વિસ્તારોમાં સઘન વોચ ગોઠવી હતી. આ તપાસ દરમિયાન, શાલીગ્રામ હોટલની સામેથી શંકાસ્પદ હાલતમાં જણાતા જબરારામ પેમારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) ને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધો હતો.
દોઢ વર્ષથી નાસતો ફરતો હતો આરોપી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે રાજસ્થાન સરકાર દ્વારા લેવાયેલી "વનરક્ષક ભરતી-૨૦૨૦" ના પેપર લીક કૌભાંડમાં સામેલ હતો. આ પ્રકરણમાં રાજસ્થાન સરકારે વર્ષ ૨૦૨૨માં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. આરોપી વિરુદ્ધ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રાજતલાબ પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા આઈ.ટી. એક્ટ અને રાજસ્થાન સાર્વજનિક પરીક્ષા અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. તે છેલ્લા દોઢ વર્ષથી ધરપકડથી બચવા નાસતો ફરતો હતો અને તેના પર ઈનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું.
રાજસ્થાન SOG ને સોંપાયો કબજો
આરોપીની અટકાયત કર્યા બાદ, કાગડાપીઠ પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો. જેને પગલે જોધપુર SOG યુનિટના પી.આઈ. સજ્જનસિંહ કવિયા તેમની ટીમ સાથે અમદાવાદ આવી પહોંચ્યા હતા. કાગડાપીઠ પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, આગળની તપાસ અર્થે આરોપી જબરારામ જાટનો કબજો રાજસ્થાન SOG ને સોંપ્યો છે.
સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. જેમાં પી.એસ.આઈ. વી.બી. ચૌહાણ, જે.એલ. સિસોદિયા, વી.એ. ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર, ક્રિપાલસિંહ, મહેન્દ્રસિંહ અને લોકરક્ષક દળના જવાનો ગોપાલભાઈ, ગોવિંદસિંહ, મહેશકુમાર સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.





















