(Source: ECI/ABP News/ABP Majha)
AHMEDABAD : SVPI એરપોર્ટને મુસાફરોના શ્રેષ્ઠ અનુભવ માટે સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું સન્માન મળ્યું
SVPI Airport : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ગ્રાહકોની સેવામાં સતત ઉત્કૃષ્ટતા પ્રદાન કરી પાછલા પાંચ વર્ષોમાં અનેકવિધ ASQ એવોર્ડ્સ જીત્યા છે.
AHMEDABAD : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ની પ્રતિષ્ઠામાં વધુ એક છોગુ ઉમેરાયું છે. SVPI એરપોર્ટને પ્રદેશ અને કદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એરપોર્ટનું એક્રેડીશન એનાયત થયું છે; એરપોર્ટને મુસાફરોની વાત સાંભળીને શ્રેષ્ઠ અનુભવ વિશે સક્રિયપણે વિચારવા બદલ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે.
SVPI એરપોર્ટે મુસાફરોના શ્રેષ્ઠ અનુભવ અને સરળ પ્રક્રિયાની ખાતરી માટે અનેકવિધ નવી સુવિધાઓ અમલ કરી છે. જેમાં એક જ વર્ષમાં વિવિધ રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યા બમણી કરવી, મુસાફરોને વધુ સારા વિકલ્પો પ્રદાન કરવા, ડેસ્ક ઓફ ગુડનેસ અને ઈ-ગેટ્સ જેવી ટેક્નોલોજીથી મુસાફરોની સુવિધાઓ વધારવા જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ગ્રાહકોની સેવામાં સતત ઉત્કૃષ્ટતા પ્રદાન કરી પાછલા પાંચ વર્ષોમાં અનેકવિધ ASQ એવોર્ડ્સ જીત્યા છે. SVPI એરપોર્ટ 2021માં વિશ્વભરમાં સન્માન મેળવનારા ચાર એરપોર્ટસ પૈકીનું એક હતું.
સિટી એરપોર્ટ ટીમ્સ મુસાફરોને વધુ સારી સેવાઓ આપવા માટેની તકો ઝડપી રહી છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે, છેલ્લા એક વર્ષમાં એરપોર્ટ પર સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં ખાસ એપ્લિકેશન-આધારિત ટેક્સી પાર્કિંગ, પ્રીપેડ ટેક્સી પાર્કિંગ અને ઓટો રિક્ષા પાર્કિંગ સાથે જોડાયેલા પીક અપ અને ડ્રોપ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે. મુસાફરોને આરામની સાથે સર્વોચ્ચ સલામતી અને સેવા મળી રહે તે માટે રન વેનું કામ પણ નિર્ધારીત કરતાં 45 દિવસ વહેલું પૂર્ણ કરવામાં આવ્યું હતું. દરરોજ 9 કલાક કામ કરી 75 દિવસમાં જ સંપૂર્ણ રન વે ઓવરલે પૂર્ણ કરતાં SVPI એરપોર્ટે રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો.
મુસાફરોના અનુભવ સુધારવાના સતત પ્રયાસોના આધારે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI)ના ડાયરેક્ટર જનરલે રોલ ઓફ એક્સેલન્સ 2021માં સામેલ થવાની જાહેરાત કરી હતી. આ વર્ષે અમદાવાદના ગૌરવ સમા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત 4 એરપોર્ટને એક્રેડીશન એનાયત કરવામાં આવ્યું છે. એરપોર્ટને સતત મળતું સન્માન દર્શાવે છે કે ગ્રાહકો તેના કેન્દ્ર સ્થાને છે. SVPI એરપોર્ટ અવનવા સુધારા, વિકાસ અને મુસાફરોના વધુ સારા અનુભવોની યાત્રા ચાલુ રાખવા સતત પ્રયત્નરત છે.