અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહે 632 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમૂહૂર્ત કર્યું
અમદાવાદના નારણપુરામાં 632 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અમદાવાદના નારણપુરામાં 632 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેંદ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત અમદાવાદ શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
અમિત શાહે સંબોધન કરતા કહ્યું, આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ લોકોને આનંદ હશે કે આજે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક કોમ્પ્લેક્ષ બનવા જઈ રહ્યું છે. મારા જેવા કાર્યકર્તા માટે જેના માટે શરૂઆત જ નારણપુરા વિસ્તારથી થઈ છે. હું અહી બુથનો સભ્ય બન્યો,બુથનો પ્રમુખ બન્યો બાદમાં ધારાસભ્ય બન્યો. હું આ જ સ્થળે ક્રિકેટ અને કબડ્ડી રમ્યો છું. 2024 સુધીમાં ગાંધીનગર લોકસભા સૌથી વિકસિત લોકસભા સાબિત થશે. 30 મહિના પછી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર થાય ત્યારે શાળાના સંચાલકોએ આ સ્ટેડિયમ સાથે જોડાવવાનું છે.
આ સંકુલનું નિર્માણ 82,507 ચોરસ મીટર (આશરે 20.39 એકર) જમીન ક્ષેત્રફળમાં કરવામાં આવશે. જે નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરની પાછળના ભાગે આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લોટની પસંદગી એવી રીતે કરી છે કે આંતરરાષ્ટ્રીય રમતગમતના સ્થળ તરીકે યજમાની કરવા માટેના તમામ માપદંડો ખેલાડીઓ અને મુલાકાતીઓની ગતિશીલતા યોજનાના સંદર્ભમાં મેળ ખાય છે. આ રમતગમત સંકુલમાં સામુદાયિક રમતોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રમતોનું આયોજન થઇ શકે એમ છે જેથી તે વધુ વ્યવહારુ અને ઉપયોગી સંકુલ બની શકે.
આ પરિયોજનાનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 631.77 કરોડ છે. AMC એ આ જમીનની ફાળવણી કરી છે. આ જમીનની વર્તમાન કિંમત અંદાજે 1200 કરોડ રૂપિયા છે. આથી આ પરિયોજનાનો કુલ અંદાજિત ખર્ચ 1831.77 કરોડ રૂપિયા થશે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત સંકુલને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
ભારત સરકારના નાણાં મંત્રાલયે અમદાવાદમાં નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના રમત સંકુલ માટે નાણાં પ્રદાન કરવા માટે પ્રશાસનિક મંજૂરી મેળવી છે. આ પરિસંકુલનું નિર્માણ કાર્ય પૂરું કરવાની સમય મર્યાદા 30 મહિના નિર્ધારિત કરવામાં આવી છે અને તે અનુસાર આ પરિયોજનાનું કામ 31 ઓક્ટોબર, 2024 સુધીમાં પૂરું થશે.