વિધાનસભા ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીની રાજકારણને લઈને મોટી જાહેરાત
અમદાવાદ: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મોટી જાહેરાત કરી છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, તેમણે રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે
Bharatsinh Solanki Press Conference: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મોટી જાહેરાત કરી છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, તેમણે રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ભરતસિંહ સોલંકી પોતાના લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે. હવે ભરતસિંહ સામાજિક રીતે કામગીરી કરતા રહેશે. થોડા સમય માટે પ્રત્યક્ષ રાજકારણથી દૂર રહેશે. વાયરલ થયેલ વીડિયો બાદ છબી ખરડાતા નિર્ણય લીધો હોવાની વાત સામે આવી છે. જો કે હાઈકમાન્ડે આવો કોઈ આદેશ આપ્યો હોવાની વાતને ભરતસિંહએ રદયો આપ્યો છે. કોંગ્રેસ નેતાના લગ્ન જીવનમાં આવી રહેલી સમસ્યાની અસર પાર્ટી પર થતી હોવાથી આ નિર્ણય લીધો હોવા ચર્ચા છે.
જાણો ભરતસિંહે કેમ કહ્યું, મારા જીવને જોખમ છે
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. ગઈકાલે ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. હવે આ મામલે ભરતસિંહ સોલંકી સ્પષ્ટતા કરી રહ્યા છે.
ભરતસિંહ સોલંકીએ કહ્યું, છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજનીતિ અને તેમાં વ્યક્તિગત કોન્ટ્રોવર્સી ચાલી છે. રોજબરોજ અસંખ્ય લોકોએ મને પૂછ્યું કે તમે કેમ કંઈ બોલતા નથી. 1992માં હું રાજકારણમાં આવ્યો. લોકો, કાર્યકરો અને હાઈકમાન્ડના આશીર્વાદ મળ્યા. 30 વર્ષનું મારું જાહેર જીવન છે, ક્યારેય કોઈ ભ્રષ્ટ્રાચારની વાત નથી થઈ. ચૂંટણી આવે ત્યારે કંઈ ને કઈ આવી જાય. રામ મંદિરના નિવેદન અંગે પણ કોન્ટ્રોવર્સી થઈ. પુરો વિડિયો જુવો તો ખ્યાલ આવે કે મારો કહેવાનો આશય શું હતો. દરેક વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે.
અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી અને રક્ષક છીએ. દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે. આ દેશમાં અનેક પરિવારોના લગ્ન જીવનમાં તકલીફો છે. લગ્ન થયા બાદ 15 વર્ષ સુધી કોઈ સંબંધ ન હોય, કોઈ જવાબદારીના કારણે હું ચૂપ રહ્યો હોય. આ દેશ સ્ત્રી દાક્ષણ્ય અને મમતાનો રહ્યો છે. જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્ની કહેતી હતી કે હું નહિ જીવું. મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ભરત હવે નહિ જીવે. હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારું શું, પ્રોપર્ટીનું શું તેમ પૂછતી હતી. હું ઑક્સિજન પર હતો ત્યારે તેઓ મારી પાસે પ્રોપર્ટી માગતી હતી.
હોસ્પિટલમાંથી ઘરે મને લઈ ગયા ત્યારે મારું ખાવાનું પણ બંધ કરી દીધું. મારે કોઈ બાળકો નથી, મારા મૃત્યુ બાદ મારી પત્નીને જ બધું મળે. મારી પત્નીનું લક્ષ માત્ર મારી પ્રોપર્ટી છે. મારામાં ખાવામાં અને ચામાં કઈક નાખ્યાના દાખલા છે. મારા જીવના જોખમ પર આવ્યું ત્યારે મે નોટિસ આપી. એમના સગા કાકાઓ પર પણ તેમણે પ્રોપર્ટીના દાવો કર્યા છે. દોરા- ધાગા કરવાવાળા પાસે જઈને પૂછતી કે આ ક્યારે મરશે.