Gujarat Election Result: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે RSSના નેતાઓ સાથે બેઠક યોજી
વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે RSS કાર્યાલયમાં RSSના નેતાઓ સાથે બેઠક યોજી હતી. ચૂંટણી પરિણામની સમીક્ષા તેમજ આગામી આયોજન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે RSS કાર્યાલયમાં RSSના નેતાઓ સાથે બેઠક યોજી હતી. ચૂંટણી પરિણામની સમીક્ષા તેમજ આગામી આયોજન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઐતિહાસિક જીત મેળવવા બદલ સંઘના નેતાઓએ પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યમાં ક્યારેય ન મળી હોય તેટલી બેઠક મળતા પક્ષ અને સંગઠનમાં ભારે ખુશીનો માહોલ છે. ભાજપ સંગઠનથી તમામ જિલ્લાઓમાં મળેલા પ્રતિસાદથી ભારે ઉત્સાહનો માહોલ છે. ત્યારે ગુજરાતમાં ઐતિહાસિક જીત બદલ સંઘના નેતાઓએ પાટીલને શુભકામના પાઠવી છે. વર્ષ 2022ની ચૂંટણીની જીતના સરતાજ સી.આર. પાટીલ બન્યા છે.
દેશની રાજનીતિમાં સૌથી વધુ લીડ, મત અને બેઠકનો પણ પાટીલે રેકોર્ડ બનાવ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે નવા ત્રણ રેકોર્ડ સ્થાપ્યા છે. 156 બેઠકની પ્રચંડ જીત બદલ સંઘના નેતાઓએ પાટીલને શુભકામના પાઠવી છે. ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન સંઘની ભૂમિકા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે. તો નવી સરકારમાં કોણ મંત્રી બનશે તે અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું અનુમાન છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી છે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદના કાર્યકાળમાં પણ આટલી મોટી જીત મેળવી નહોતી. 182માંથી ભાજપે 156 બેઠકો જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે 53 ટકા વોટ શેર સાથે વિક્રમી 156 બેઠકો મેળવી છે. જે 60 વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડયો છે.
હવે નવી સરકારની શપથવિધીની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે નવી સરકારનો શપથ સમારોહ યોજાશે. જેમાં પીએમ મોદી અને ગૃહ અમિત શાહ પણ હાજર રહેશે. શપથ ગ્રહણ પહેલા ભાજપના ચૂંટાયેલા સભ્યોની બેઠક મળશે. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનના નામની પસંદગી કરાશે.
156 બેઠક સાથે પ્રચંડ અને રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથવિધી કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 12 ડિસેમ્બરે યોજનારા શપથવિધી કાર્યક્રમ અગાઉ હવે નવી સરકારના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.