ગુજરાતમાં કોંગ્રેસ હવે મંદિરોના શરણે, રાજ્યના 8 મહાનગરોમાં કોંગ્રેસના આગેવાનો મંદિરે મંદિરે ફરશે
શહેરોમાં મજબૂત થવા માટે કોંગ્રેસે મંદિર, ભજન, સુંદરકાંડ, સત્યનારાયણની કથા, મહાઆરતી અને સંતો - મહંતોનું શરણ લેવાનું નક્કી કર્યું છે.
AHMEDABAD : રાજ્યમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો રણનીતિ ઘડી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર છે. જો કે 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે.
કોંગ્રેસના આગેવાનો મંદિરે મંદિરે ફરશે
શહેરોમાં મજબૂત થવા માટે કોંગ્રેસે મંદિર, ભજન, સુંદરકાંડ, સત્યનારાયણની કથા, મહાઆરતી અને સંતો - મહંતોનું શરણ લેવાનું નક્કી કર્યું છે. 27 મેં શુક્રવારના રોજ 8 મહાનગરોના આગેવાનો સાથેની ચર્ચામાં શહેરી વિસ્તારની અંદર મજબૂત થવા માટે કોંગ્રેસના આગેવાનોએ મંદિરે જવાનું વધારવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત જ્યારે કોંગ્રેસના આગેવાનો મંદિર અને સંતોને મળે ત્યારે સામાન્ય જનતા પણ સાથે હોય તે પ્રકારના આયોજનો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમ 2017ની ચૂંટણી સમયે રાહુલ ગાંધી મંદિરે મંદિરે દર્શન કરવા ગયા હતા તેમ કોંગ્રેસના આગેવાનો આવનારા સમયમાં 8 મહાનગરોમાં મંદિરે મંદિરે ફરશે.
શહેરી લોકોમાં કોંગ્રેસની છાપ સુધારવાના પ્રયાસ
વિધાનસભાની આગામી ચૂંટણીમાં શહેરી વિસ્તારની અલગથી અને આક્રમક રણનીતિ ઘડવા રાહુલ ગાંધીએ આપેલી સૂચના સંદર્ભે શુક્રવારે 8 મહાનગરોના 250 જેટલા આગેવાનો સાથે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન કર્યું હતું. આ મંથનમાં શહેરી લોકોમાં કોંગ્રેસની છાપ સુધારવા અંગે ચર્ચા થઈ હતી કારણકે, શહેરી વિસ્તારના લોકોમાં એવી માન્યતા છે કે ભાજપ એટલે હિન્દુ સમુદાયની પાર્ટી અને કોંગ્રેસ એટલે લઘુમતી સમુદાયની પાર્ટી. આ માન્યતાના કારણે કોંગ્રેસને અર્બન અને સેમીઅર્બન વિસ્તારમાં નુકશાન થઈ રહ્યું છે.સૌ પ્રથમ કોંગ્રેસની આ છાપ સુધારવી અત્યંત આવશ્યક છે તે વાત ઉપર બેઠકમાં ઉપસ્થિત મોટાભાગના આગેવાનોએ સુર વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસનું હિંદુવાદી રાજકારણ
આ બેઠકમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓ અનુસાર કોંગ્રેસ રાજ્યના 8 મહાનગરોના શહરોમાં આવેલા મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરશે. શહેરી વિસ્તારમાં રહેતા નામાંકીત સંતો અને મહંતોની મુલાકાત કરશે, સાથે સત્યનારાયણની કથાઓનું આયોજન કરશે. તો સાથે જ જાહેરમાં - સોસાયટીઓમાં સુંદરકાંડના પાઠ કરશે. કોંગ્રેસ જાહેરમાં અને ખુલ્લી જગ્યામાં ભજનના કાર્યક્રમોનું આયોજન કરશે.
આ તમામ આયોજનો સામાન્ય પ્રજાને સાથે રાખીને કરશે.