શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે કે નહીં? જાણો શું કહ્યું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ
Gujarat Congress : પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આજે બોરસદમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
AHMEDABAD : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આજે આણંદના બોરસદમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ હાજરી આપી હતી. તો ભરતસિંહ સોલંકીએ કાર્યક્રમ દરમિયાન એવું નિવેદન કર્યું હતું કે માધવસિંહ સોલંકીના સકારાત્મક વિચારોને લઈ અને આગામી દિવસોમાં આપણે સૌ આગળ વધીશું.
માનવામાં આવી રહ્યું છે કે ભરતસિંહ સોલંકી જે થોડા સમયથી રાજકીય રીતે નિષ્ક્રિય થઈ ગયા છે તે આગામી સમયમાં સક્રિય થશે તેવા એંધાણ તેમના નિવેદનથી તેમને આપ્યા છે.
બીજી તરફ ડો.રઘુ શર્મા કે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી છે, તેમનું કહેવું છે કે ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે અને તેમણે સક્રિય થવું જોઈએ જો કે તેમને એમ પણ કહ્યું હતું કે અમે ક્યારેય તેમને નિષ્ક્રિય થવાનું કહ્યું નથી.
તો ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા છે. શંકરસિંહ વાઘેલાએ શરત મૂકી છે કે જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાવનું વચન આપે તો કોંગ્રેસમાં જોડાશે.
શંકરસિંહ વાઘેલાએ જે શરત મૂકી છે કોંગ્રેસમાં સામેલ થવાની તે શરત અંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા ને કોંગ્રેસમાં આવવું હોય તો તે આવી શકે વાતચીત તો ચાલે છે પરંતુ કોંગ્રેસમાં ક્યારેય કોઈની શરતી એન્ટ્રી થતી નથી. કોંગ્રેસ પોતાની વિચારધારાને વળગી રહેશે.