Gandhinagar: ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ
ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યના તમામ ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. આ પ્રયાસોના પગલે જ રાજ્ય સરકારે હાથશાળ તથા હસ્તકલા ક્ષેત્રે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ગાંધીનગર: ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નિગમે તેની બ્રાન્ડ તરીકે પ્રસિદ્ધ "ગરવી ગુર્જરી" માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર મેળવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે નિગમ છેલ્લાં કેટલાંક દાયકાઓથી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનો માટે એજન્સી તરીકે કામ કરી રહ્યું છે. ભારત સરકાર તરફથી મળેલ આ ટ્રેડમાર્ક પ્રમાણપત્ર રાજ્યના હાથસાળ-હસ્તકલા ક્ષેત્રના વિકાસ અને સુરક્ષાના નવા આયામ માટે ખૂબ જ મહત્વનું પુરવાર થશે.
નિગમના વહીવટી સંચાલક (એમડી) લલિત નારાયણ સિંહ સાંદુએ આ વિશે જાણકારી આપતા કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર તરફથી રાજ્યની વંશ પરંપરાગત કલા-કારીગરીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે નિગમની ગરવી ગુર્જરી બ્રાન્ડને ભારત સરકારનું ટ્રેડમાર્ક સર્ટિફિકેટ હાંસલ થયું છે.”
ટ્રેડમાર્ક સર્ટિફિકેટથી કયા-કયા ફાયદા થશે ?
નિગમના વહીવટી સંચાલક (એમડી) લલિત નારાયણ સિંહ સાંદુએ વધુ માહિતી આપતા જણાવ્યું કે કોઈ પણ વ્યવસાયને ટ્રેડમાર્ક સર્ટિફિકેટ મળવું; તેના માટે મોટું કાયદાકીય સંરક્ષણ હોય છે. નિગમને આ સર્ટિફિકેટ મળ્યા બાદ હવે "ગરવી ગુર્જરી" તેના નામ અથવા લોગોના કોઈપણ અનધિકૃત ઉપયોગને અટકાવી શકશે અને તેની બ્રાન્ડ ઓળખના વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત કરી શકશે. આ કાયદાકીય સંરક્ષણ નિગમને તેની બજારની હાજરી અને પ્રતિષ્ઠાને સલામત રાખવામાં મદદ કરશે અને તેનાં ઉલ્લંઘન સામે નિર્ણાયક પગલાં લેવાની સત્તા આપશે.
ટ્રેડમાર્કની નોંધણી "ગરવી ગુર્જરી"ને હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોનાં વિશાળ બજારમાં એક અલગ ઓળખ સ્થાપિત કરવામાં પણ મદદરૂપ થશે. તેના કારણે ગ્રાહકો સરળતાથી ગરવી-ગુર્જરીના ઉત્પાદનોને ઓળખી અન્ય ઉત્પાદનોમાંથી તારવી શકશે છે કે જે બજારની મજબૂત સ્થિતિ જાળવવા માટે મહત્વનું છે.
સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે રક્ષણ કવચ બનશે ટ્રેડમાર્ક
ટ્રેડમાર્ક સાથે ગરવી ગુર્જરીએ તેની બ્રાન્ડના ઉત્પાદનોને કાયદેસર રીતે સંરક્ષિત કરીને સ્પર્ધાત્મક લાભ મેળવ્યો છે. તેના થકી નિગમે ફ્રેન્ચાઇઝિંગ અને લાઇસન્સિંગની તકો માટે દરવાજા પણ ખોલ્યા છે અને ગરવી ગુર્જરીને તેનો વ્યાપ વધારવા અને આવક વધારવા માટે સક્ષમ બનાવ્યા છે.
આ ટ્રેડમાર્ક ગરવી ગુર્જરીના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરશે કે જે ગુજરાતની પરંપરાગત કારીગરીનો અનધિકૃત એકમો દ્વારા દુરુપયોગ કે ખોટી રજૂઆત અટકાવી શકશે.નિગમ આ ટ્રેડમાર્ક થકી ભવિષ્યની પેઢીઓ માટે વારસો જાળવી રાખવામાં અને ગ્રાહકોને ગરવી ગુર્જરીના ઉત્પાદનોની ગુણવત્તા અને અધિકૃતતાની ખાતરી માટે તેમજ હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોના ચોક્કસ ધોરણોને પરિપૂર્ણ કરી શકાશે કે જે ગ્રાહકનો વિશ્વાસ અને સંતોષ જાળવવા માટે જરૂરી છે.
ગરવી ગુર્જરી ચિહ્ન ધરાવતા ઉત્પાદનો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કરી શકશે
આ ટ્રેડમાર્કના લીધે ગરવી ગુર્જરી અન્ય બ્રાન્ડની સામે પોતાની વિશિષ્ટતા રજૂ કરીને ગ્રાહકોના માનસમાં છવાઇ જશે અને તેના લીધે વિવિધ પ્લેટફોર્મ્સ પર નિગમની બ્રાન્ડને વિશ્વાસપૂર્વક પ્રોત્સાહન આપવામાં સહભાગી બનશે. ટ્રેડમાર્કના ઉપયોગથી નિગમ અસરકારક માર્કેટિંગને સુનિશ્ચિત કરી શકશે અને બજારમાં બ્રાન્ડની હાજરીને વધુ મજબૂત બનાવી ગરવી ગુર્જરી ચિહ્ન ધરાવતા તમામ ઉત્પાદનો સુસંગત ગુણવત્તાના છે તેવો વિશ્વાસ ગ્રાહક વર્ગમાં સંપાદિત કરી શકશે.
ટ્રેડમાર્ક પ્રમાણપત્ર મેળવવું એ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. માટે વ્યૂહાત્મક સિદ્ધિ છે. જેમ જેમ ગરવી ગુર્જરી સતત વિકાસ પામી રહી છે, તેમ આ પ્રમાણપત્ર ગુજરાતના વાઇબ્રન્ટ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ હેરિટેજને પ્રોત્સાહન અને જાળવવાની તેની સફરમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ભારત સરકારના અન્ય નિગમો કે જેઓ દ્વારા ટ્રેડમાર્ક મેળવવામાં આવેલ છે તેની પ્રતિષ્ઠિત યાદીમાં હવે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. નો પણ સમાવેશ થયેલ છે.