Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Weather: આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. વરસાદની કોઈ આગાહી નથી અને મહત્તમ તાપમાનમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. વરસાદની કોઈ આગાહી નથી અને મહત્તમ તાપમાનમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. હિટવેવની વોર્નિંગ નથી, પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે, 41 થી 42 ડિગ્રી તાપમાન રહશે અને બફારો રહેશે.
આગામી 5 વર્ષ છોતરા કાઢી નાંખે તેવી ગરમી પડશે
વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ બુધવારે (17 મે) ના રોજ વૈશ્વિક તાપમાન સંબંધિત તેના નવા વિશ્લેષણમાં જણાવ્યું હતું કે વૈશ્વિક તાપમાન આગામી 5 વર્ષમાં પ્રથમ વખત 1.5 ડિગ્રી સેલ્સિયસની મર્યાદાને વટાવી જશે. તે જણાવે છે કે આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા અસ્થાયી રૂપે 1.5 ° સે તાપમાનની નિર્ધારિત મર્યાદાનો ભંગ થઈ શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, WMO વિશ્લેષણમાં જણાવાયું છે કે 2023 અને 2027 ની વચ્ચે ઓછામાં ઓછા એક વર્ષમાં વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સરેરાશ કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઉપર રહેવાની 66 ટકા સંભાવના છે. તે જ સમયે, એવી પણ 98 ટકા સંભાવના છે કે આમાંથી એક વર્ષ 2016ને વટાવીને રેકોર્ડ પરનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે.
અત્યારે 2016ને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ માનવામાં આવે છે. તે વર્ષ માટે વાર્ષિક સરેરાશ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સમય કરતાં 1.28 °C વધારે હતું (1850-1900 સમયગાળા માટે સરેરાશ). તે જ સમયે, ગયા વર્ષ (2022) પૂર્વ-ઔદ્યોગિક સરેરાશ કરતાં 1.15 ° સે વધુ ગરમ હતું.
અલગથી, બુધવારે બહાર પાડવામાં આવેલા એક નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલમાં ભારત અને કેટલાક પડોશી દેશોમાં તીવ્ર ગરમીના મોજા માટે હવામાન પરિવર્તન સૌથી વધુ જવાબદાર હોઈ શકે છે.
WMOએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ માટે સરેરાશ વાર્ષિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સરેરાશ કરતાં 1.1 થી 1.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની ધારણા છે. જો વધતા તાપમાનના વલણને તાત્કાલિક અટકાવવામાં આવે તો 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની મર્યાદાનો ભંગ ખૂબ જ ટૂંક સમયમાં કાયમી બાબત બની શકે છે.