India Vs Pakistan: અમદાવાદ-પાકિસ્તાનની મેચની ટિકિટ ખરીદતા પહેલા સાવધાન, 150 નકલી ટિકિટ સાથે યુવકની અટકાયત
India Vs Pakistan: અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચશે
India Vs Pakistan: અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટની બેફામ કાળાબજારી પણ શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 150 બનાવટી ટિકિટ સાથે એક આરોપીની અટકાયત કરી હતી. નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં મેચ રમાશે.
પોલીસે અટકાયત કરાયેલા વ્યક્તિ પાસેથી 150 કરતા વધુ બનાવટી ટિકિટ કબ્જે કરી હતી. સારી ક્વોલીટીની પ્રિન્ટીંગ વાળી ટિકિટ સાથે એક યુવકની અટકાયત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન મેચની બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે. સોશલ મીડિયા પર કેટલાક લોકોએ બનાવટી ટિકિટો વેચીને લોકોને છેતરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભારત પાકિસ્તાનની મેચને લઈને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ભારત પાકિસ્તાનની મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. DG અને GASના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈબીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર બપોરે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનની ટીમ અને તેનો મેનેજમેન્ટ સ્ટાફ પહોંચે તેવી સંભાવના છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં પાકિસ્તાનની ટીમ રોકાશે. જ્યારે ભારતની ટીમ 12 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવી પહોંચશે.
બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને આજથી ત્યારે આજથી ત્રણ દિવસ માટે પ્રેક્ષકો ટિકીટની હાર્ડ કોપી મેળવી શકશે. જે પણ ક્રિકેટ પ્રેમીઓએ ઓનલાઇન પોતાની ટિકિટ બુક કરાવી હશે તે પ્રેક્ષકોને હાર્ડ કોપી બતાવ્યા બાદ જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે આજથી ત્રણ દિવસ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફોરડી સ્કેવર મોલ, નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમથી ટિકિટની હાર્ડ કોપી મળી રહેશે. ટિકિટ બુક કરાવ્યા બાદ મેઈલમાં મળેલી સોફ્ટ કોપી અને જે કાર્ડથી ટિકિટનું પેમેન્ટ થયું હશે તે કાર્ડના છેલ્લા ચાર આંકડા દર્શાવ્યા બાદ વેરિફિકેશન થઈને તેમને મેચની ટિકિટો મળશે. પ્રેક્ષકોને સવારે 10થી સાંજના છ વાગ્યા સુધી ઓનલાઈન બુક કરાવેલી ટિકિટની હાર્ડ કોપીનું વિતરણ કરવામાં આવશે.