CPR Training: હવે ગુજરાતના 55 હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે CPR તાલીમ, જાણો ક્યારે યોજાશે કાર્યક્રમ
ગાંધીનગર: સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી 11 જૂનના રોજ રાજ્યમાં ૫૧ સ્થળોએ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને CPR તાલીમ આપવામાં આવશે.
ગાંધીનગર: સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી 11 જૂનના રોજ રાજ્યમાં ૫૧ સ્થળોએ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને CPR તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં ૩૭ મેડિકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપશે. રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તાલીમ કાર્યક્રમ યોજાશે.
આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી તા. ૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા CPRની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. જે રાજ્યના જુદા જુદા ૫૧ સ્થળો પર સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન આ તાલીમ યોજાશે.
આ સમગ્ર તાલીમનું આયોજન રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલની ટીમ અને ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ ISA-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે. તેમજ ૫૫,૦૦૦ થી વધારે પોલીસ કર્મીઓ અંગદાનની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
અમદાવાદના ત્રણ પોલીસ જવાનો બન્યા દેવદૂત
સામાન્ય રીતે શહેરના રસ્તાઓ પર જ્યારે ટ્રાફિક પોલીસને જોઈ લોકો ડરના માર્યા પોતાના વાહનો પાછા વાળી લેતા હોય છે ! પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ત્રણ જવાનોએ એવું કામ કર્યું છે કે લોકો હવે પોલીસની સામે ચાલી મદદ માંગવા જઈ શકે છે ! શહેર ટ્રાફિક પોલીસના ત્રણ જવાનોએ એક વ્યક્તિને CPR આપી તેનો જીવ બચાવી દેવદૂત બન્યા
ત્રણ ટ્રાફિક પોલીસ કર્મીઓએ પોલીસના સુરક્ષા શાંતિ અને સલામતી ના સૂત્રને સાર્થક કર્યું છે. ટ્રાફિક પોલીસના મુસ્તાક નરેશભાઈ અને હસમુખ ભાઈ નામના ટ્રાફિક પોલીસકર્મી કાલુપુર સર્કલ વિસ્તારમાં પોતાના પોઇન્ટ પર હતા તે દરમિયાન એકટીવા પરથી પસાર થઈ રહેલ રફીક અબ્દુલ નામના વ્યક્તિની તબિયત બગડી અને તેમની પાસે આવ્યો અને બેસી ગયો. તેમની પાસે આવેલ વ્યક્તિને છાતીમાં દુખાવો થતા તાત્કાલિક ત્રણેય પોલીસ કર્મીઓએ તેને CPR આપવાનું શરૂ કર્યું. જેથી સમય સૂચકતાના કારણે આ વ્યક્તિનો જીવ બચી શક્યો. ત્રણ પોલીસ કર્મીઓની ઉમદા કામગીરીને લઈ વેસ્ટ ટ્રાફિક ડીસીપી દ્વારા પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું
ટ્રાફિક પોલીસના જવાનોની આ કામગીરીની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. વ્યક્તિનો જીવ બચાવનાર ત્રણેય પોલીસ કર્મીઓ પાસે પોતાની ભાવના વ્યક્ત કરવા માટે શબ્દો નથી ! આ પોલીસ કર્મીઓનું કહેવુ છે કે ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની સાથે લોકોની સુરક્ષા કરવી તેમની ફરજ છે. એક વ્યક્તિનો જીવ બચાવવો તેમનાં માટે ગર્વની બાબત છે. વર્ષ 2021 માં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને CPR ની તાલીમ આપવામાં આવી હતી. જેથી કોઈ વ્યક્તિના છાતીમાં દુખાવો થાય અથવા તો સમસ્યા હોય ત્યારે CPR થકી તેમનો જીવ બચાવી શકાય. રાહદારી રફીક અબ્દુલ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 ને કોલ કરી તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા જ્યાં તેમની સારવાર થઈ અને સ્વસ્થ રીતે ઘરે પહોંચ્યા. આ ત્રણ ટ્રાફિક પોલીસ જવાન પૈકી મુસ્તાકમીયા નામના પોલીસ જવાને બે વર્ષ પહેલા પણ એક વ્યક્તિ નો જીવ આ જ પ્રકારે બચાવ્યો હતો. CPR ની તાલીમ લેવા ના કારણે તેઓ આ બંને વ્યક્તિનો જીવ બચાવી શક્યા છે.