Ahmedabad News: ટૂંક સમયમાં અમદાવાદમાં AMTS અને BRTS માટે આવી શકે છે એક ટિકિટ, જાણો વિગત
આગામી 8 થી 9 મહિનામાં AMC એક્શન પ્લાન તૈયાર કરીને જાહેરાત કરી શકે છે. જોકે નજીકના દિવસોમાં આ યોજના અમલી બનાવવાનું કોઈ આયોજન નથી.
Ahmedabad News: આગામી વર્ષ સુધીમાં AMTS અને BRTS માટે એક ટિકિટ અમલી બનાવવા તંત્રનું આયોજન છે. AMTS અને BRTS ના સમાંતર રૂટ અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં BRTS ના રૂટ ઉપર ચાલતી AMTS ની બસોની યાદી મંગાવવામાં આવી છે. મુસાફરોને અલગ અલગ ટિકિટ ન લેવી પડે તે માટે યોજના બનાવવામાં આવશે. આગામી 8 થી 9 મહિનામાં AMC એક્શન પ્લાન તૈયાર કરીને જાહેરાત કરી શકે છે. જોકે નજીકના દિવસોમાં આ યોજના અમલી બનાવવાનું કોઈ આયોજન નથી.
શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટને આગામી એક વર્ષમાં ચાર તબક્કામાં ઈન્ટિગ્રેટ કરી દેવાની વાત ચાલી રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં AMTS અને BRTSનું ભાડું સરખું કરાશે, બીજા તબક્કામાં બને બસ સર્વિસમાં એક જ ટિકિટમાં મુસાફરી કરી શકાશે, ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશન કરાશે અને ચોથા તબક્કામાં જરૂર હોય તે રૂટમાં બસ શરૂ કરાશે. આવનારા સમયમાં મેટ્રો સાથે પણ વિચારણા કરવામાં આવશે તેવું AMC દ્વારા જણાવ્યું છે.
એક જ ટિકીટ અને એક સરખા ભાડામાં થઈ શકશે મુસાફરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે પહેલા તબક્કાની વાત કરીએ તો હવે એક જ ટિકીટ અને એક સરખા ભાડામાં મુસાફરી થાય તેવો અમલ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા તબક્કામાં બંને બસ સર્વિસની ટિકિટ એક કરવામાં આવશે. જેથી કોઈ પણ મુસાફર એક જ ટીકિટ દ્વારા બંને બસ સર્વિસની કોઈપણ બસમાં મુસાફરી કરી શકશે. ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશ કરાશે. આ મુદ્દે બીઆરટીએસના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખનામાએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ અમદાવાદમાં બે પરિવહનની વ્યવસ્થામાં પ્રથમ તબક્કામાં બન્ને સંસ્થાઓના ભાડા સરખા કરી 5, 10, 15ના ગુણાંકમાં કર્યા છે.
વિશાલ ખનામાએ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરો આગામી સમયમાં એક જ ટિકિટથી બીઆરટીએસ અને એમટીએસમાં સફર કરી શકે તેવું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું છે.પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ વધે એ માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સુધારવાના ભાગરૂપે AMTS અને BRTSના ભાડા સરખા કરવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં લોકો બન્ને વ્યવસ્થાનો લાભ એકસાથે લઈ શકે. આ ઉપરાંત ભવિષ્યમાં બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રોના રૂટ એકબીજા સાથે ઓવરલેપ ન થાય અને સારામાં સારી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે.