Ahmedabad: ડોક્ટરને સાથે કામ કરતી ડોક્ટર યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, બંનેના ડોક્ટર જીવનસાથીએ શું કર્યું ?
ડોક્ટર પતિના લગ્નેતર સંબંધો અંગે સસરાને જાણ થતાં તેમણે સમજાવવા પ્રયાસ કર્યો હતો.
અમદાવાદઃ અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર ડોક્ટર પતિને સાથે નોકરી કરતી મહિલા ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો ને શરીર સંબધ બંધાતાં બે પરિવારો તૂટવાના આરે આવી ગયા છે. પ્રેમી અને પ્રેમિકા બંને ડોક્ટર છે અને બંનેના જીવનસાથી પણ ડોક્ટર છે. પતિ પ્રેમિકા સાથે રહેવા જતો રહેતાં ડોક્ટર પત્નિએ કલમ 498 હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ મહિલા વેસ્ટ પોલીસ ચલાવી રહી છે.
આ ફરિયાદ અનુસાર, મહિલા 2003માં રેડિયોલોજીનો અભ્યાસ કરતી હતી ત્યારે પતિ સાથે જ અભ્યાસ કરતો હતો. બન્ને વચ્ચે મિત્રતા થઈ જતાં પરિવારની મંજૂરીથી 2004માં લગ્ન કર્યા હતા. જો કે લગ્ન કર્યાના બીજા દિવસથી સાસરીમાં દહેજ મામલે ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું.
દરમિયાનમાં 2010માં મોટા પુત્રનો જન્મ થયો હતો. 2012માં પત્ની બીજી ખાનગી હોસ્પિટલમાં અને 2015માં પતિએ એસજી હાઈવેની હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. બંને સાસુ-સસરાથી અલગ રહેતાં હતાં પણ અમદાવાદ રહેવા આવતા સાસુ-સસરા આ પરિણીતાને ત્રાસ આપતા હતા. 2017માં બીજા પુત્રનો જન્મ થયો હતો.દરમિયાનમાં 2019ના ફેબ્રુઆરી મહિનામાં ડોક્ટર પતિએ પત્નીને કહ્યું હતું કે, તેને હોસ્પિટલમાં સાથે રેડિયોલોજીસ્ટ તરીકે જ કામ કરતી યુવતી સાથે પ્રેમ થયો છે અને લગ્ન કરવા ઈચ્છે છે. પત્નિએ વાંધો લેતાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેણે પોતાનાં બંને બાળકોને બીજી પત્ની સાચવી લેશે તેમ પણ કહ્યું હતું.
ડોક્ટર પતિના લગ્નેતર સંબંધો અંગે સસરાને જાણ થતાં તેમણે સમજાવવા પ્રયાસ કર્યો હતો. એ વખતે પત્નિને સારી રીતે રાખવા પતિએ બાંહેધરી આપી હતી. મહિલા ડોક્ટરે આ અંગે સાસુ-સસરાને વાત કરતાં તેમણે ડોક્ટર પુત્રને પોતાની સાથે જયપુર બોલાવી લીધો હતો. 2019માં સાસુ-સસરા તેમજ પ્રેમિકાના ડોક્ટર પતિની સમજાવટથી પત્નિ પતિ સાથે ભોપાલ ગઈ હતી પણ એક મહિના પછી ડોક્ટર પતિ ભોપાલથી અમદાવાદ આવી ગયો હતો. વારંવાર ફોન કરવા છતાં ડોક્ટર પતિ ભોપાલ આવતો ન હતો.
ડોક્ટર પરિણીતા નવેમ્બર-2019માં અમદાવાદ આવતાં ડોક્ટર પતિ તેની પ્રેમિકા સાથે રહેતો હોવાની જાણ થઈ હતી. તેનો સંપર્ક કરતાં પતિએ ભાડજ પાસે મકાન ભાડે રાખી પત્ની, બે પુત્રને રાખ્યા હતા પણ તેમને મળવા માટે રોજ બે-ત્રણ કલાક જ આવતો હતો. લોકડાઉન વખતે પણ પતિ પ્રેમિકા સાથે રહતો હતો. દરમિયાનમાં પ્રેમિકાના પતિએ ફરિયાદી પરિણીતાનો સંપર્ક કરીને પોતાની પત્ની અને પ્રેમીના વિડિયો રેકોર્ડિંગ બતાવ્યા હતા. આ અંગે વાત કરતાં પતિ પ્રેમિકા સાથે જ જતો રહેતાં યુવતીએ પતિ સામે વિશ્વાસઘાત ઉપરાંત શારિરિક ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. પતિના માતા-પિતા તેમજ પ્રેમિકાને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. મહિલા વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.