AICC convention: રાહુલ ગાંધી-સોનિયા ગાંધી પહોંચ્યા અમદાવાદ, થોડીવારમાં શરુ થશે CWC ની બેઠક
ગુજરાતમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: ગુજરાતમાં કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અધિવેશનમાં ભાગ લેવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા હોટલ હયાત પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એરપોર્ટથી હયાત હોટલ પહોંચ્યા અને ત્યાંથી સરદાર સ્મારક ખાતે યોજાનારી CWCની બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે.
Gujarat: Top leadership of Congress arrives in Ahmedabad to attend AICC convention, CWC meeting
— ANI Digital (@ani_digital) April 8, 2025
Read @ANI story | https://t.co/PdloohdDeb#Gujarat #Congress #Ahmedabad #AICC #CWCmeeting pic.twitter.com/m8wT4ecw05
કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સરદાર સ્મારક પહોંચ્યા હતા. થોડીવારમાં સરદાર સ્મારકમાં CWCની બેઠક શરૂ થશે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સરદાર સ્મારક પહોંચ્યા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સરદાર સ્મારક પહોંચ્યા છે.
કૉંગ્રેસે જણાવ્યું હતું કે અમદાવાદ અધિવેશનનો વિષય "ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ" છે. 9 એપ્રિલે સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ વચ્ચે યોજાનારા અધિવેશનમાં 1,700થી વધુ ચૂંટાયેલા અને સહ-પસંદ કરાયેલા AICC સભ્યો હાજરી આપશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ ઠરાવો પસાર થવાની અપેક્ષા છે.
આ વર્ષે મહાત્મા ગાંધીના પક્ષ પ્રમુખ બનવાની 100મી વર્ષગાંઠ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. બંને નેતાઓનો જન્મ ગુજરાતમાં થયો હતો. આ સંદર્ભમાં કોંગ્રેસનો ગુજરાત સાથે ઐતિહાસિક સંબંધ છે.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 8 એપ્રિલે
8 એપ્રિલે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશના પ્રદેશ પ્રમુખ, વર્કિંગ કમિટીના સભ્યો, ધારાસભ્ય દળના નેતા, નેતા વિપક્ષ આવશે. સાંજે 7 વાગે અધિવેશન સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
9 એપ્રિલે અધિવેશનની બેઠક મળશે
9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે અધિવેશનની બેઠક થશે. સૌપ્રથમ ફ્લેગ હોસ્ટિંગ થશે અને બાદમાં એજન્ડા પર ચર્ચા થશે. ઠરાવ પર ચર્ચા થશે. જે નેતાને વિષય પર અભિપ્રાય આપવો હોય તે ચિઠ્ઠી મોકલીને મોકલશે તો તેને તક આપવામાં આવશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મહત્વપૂર્ણ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ દિવસે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
અધિવેશનના મુખ્ય દિવસ એટલે કે 9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે અને પાર્ટીની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરશે.
9 એપ્રિલના રોજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. આ ઉપરાંત, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ પણ આ મહત્વપૂર્ણ બેઠકોમાં હાજર રહેશે.





















