Ahmedabad Rain: જોરદાર વિજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદ શહેરમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ભારે વંટોળ સાથે વરસાદની શરુઆત થઈ છે.
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ભારે વંટોળ સાથે વરસાદની શરુઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અનેક જગ્યાએ કમોસમી વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. જોરદાર ધૂળની ડમરીઓ ઉડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. સાંજના સમયે લોકો ઘરે જઈ રહ્યા હોય તેવા સમયે જ વાતાવરણમાં પલટો આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા છે. નાગરિકોએ આકરા બફારાથી રાહત મળી છે. શેલા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. શહેરના સોલા રોડ નારણપુરા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ ભીના થતા બાઇક ચાલકો સ્લીપ ખાઈ પડ્યા હતા. અમદાવાદ શહેરમાં જોરદાર વિજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. શેલા ગામમાં પણ વરસાદ વરસ્યો છે.
ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. માણસાના બાલવા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે. સાંજે વાતાવરણમા પલટા સાથે ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બાલવા ગામમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા.
આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ , ભરુચ , ડાંગ, તાપી , નવસારી, વલસાડ , દમણ , દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી ,ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
ભાવનગર જિલ્લામાં વરસાદ
કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સિહોર તાલુકાના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સણોસરા, ઈશ્વરીયા, આબલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદથી પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા હતા.
વલસાડમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
ભર ઉનાળે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે વલસાડ જિલ્લામાં વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. જોકે કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ પહેલા જ હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. હજુ પણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે. કપરાડા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. કપરાડાના હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કપરાડાના અનેક ગામોમાં વરસાદની શરૂઆત થઈ છે.