CORONA VIRUS: શું ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવામાં આવશે? જાણો આરોગ્યમંત્રીએ શું આપ્યું નિવેદન
CORONA VIRUS: ચીનમાં કોરોનાએ ફરી કહેર વર્તાવતા સમગ્ર વિશ્વમાં ગભરાહટનો માહોલ છે, કારણ કે બે વર્ષ પહેલા ચીનમાંથી જ કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હાલમાં ચીનમાં રોજ લાખો કેસ સામે આવી રહ્યા છે.
CORONA VIRUS: ચીનમાં કોરોનાએ ફરી કહેર વર્તાવતા સમગ્ર વિશ્વમાં ગભરાહટનો માહોલ છે, કારણ કે બે વર્ષ પહેલા ચીનમાંથી જ કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હાલમાં ચીનમાં રોજ લાખો કેસ સામે આવી રહ્યા છે જેને લઈને ભારત સરકાર પણ હરકતમાં આવી છે. ગઈકાલે પીએમ મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તો આજે ગુજરાતમાં પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજી હતી.
કોરોનાની સંભવિત પરિસ્થિતિની સમીક્ષા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, વિશ્વની અંદર કોરોનાના વધતા કેશ અંગે દેશમાં ચિંતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણા અનુભવોમાંથી આપણે પસાર થયા છીએ. મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવા અંગે તેમણે કહ્યું કે, કોરોનાથી બચવા જે પણ સાવચેતી રાખવાની જરૂર છે તે બધી સાવચેતી નાગરીકોએ રાખવી જોઈએ. આ ઉપરાંત સમીક્ષા બેઠક બાદ આગળ કેવા પ્રતિબંધો લાદવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હાલમાં કોઈએ વધુ ચિંતા કરવાની જરુર નથી તેમ આરોગ્યમંત્રીએ કહ્યું છે.
નવા વેરીએંટના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી છે. હર્ડઈમ્યુનીટી અને રસીકરણથી લડવા સક્ષમ છીએ. નિષ્ણાંતો પાસેથી મત લેવામાં આવ્યો કે રાજ્ય સરકારે શું કરવું જોઈે. એરપોર્ટ પર ફ્લાઇટની સીટ મુજબ 2 ટકા ટેસ્ટિંગ કરવું જોઈએ. એરપોર્ટ પર થર્મલ ચેકીંગ શરૂ કરવું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે વ્યવસ્થા કરવાની રહેશે. કોરોના ગયો છે તેવું સમજીને વેક્સિન નથી લીધી તેએ હવે લઈ લે. આગામી સમયમાં સરકાર ફરીથી વેક્સિન ડ્રાઇવ શરૂ કરશે. આ ઉપરાંત પ્રિકોશન ડોઝ માટે ડ્રાઈ યોજાશે. 27મી ડિસેમ્બરે મોક ડ્રાઇવ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ મોકડ્રીલ યોજવામાં આવશે. નવો વેરીઅન્ટ એકમાંથી 16 લોકો સુધી પહોંચી શકે છે.
શતાબ્દી મહોત્સવ અંગે આરોગ્યમંત્રીનું નિવેદન
તો બીજી તરફ અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને લઈને પણ આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ શરૂ થયો ત્યારે આવા સમાચાર આવ્યા ન હતા. પ્રમુખ સ્વામી નગર માટે માસ્કના વિસ્તરણની સૂચના આપવામાં આવી છે. પ્રમુખ સ્વામી નગરમાં પણ કોરોના અંગે સાવચેતી રાખવા માટે પણ સૂચના આપી છે.
કાંકરિયા કાર્નિવલ અંગે આરોગ્યમંત્રીએ આપ્યું નિવેદન
એક તરફ કોરોનાનો કહેર વધવાની વકી છે તો બીજી તરફ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલ સહિતના કાર્યક્રમો અંગે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો અંગે ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ સાથે કાર્યક્રમ કેવી રીતે ક્યાં સમયે કરવો તેની ચર્ચા ચાલી રહી છે. નવા વેરિયન્ટના ફેલાવા અને ઘાતકતા અંગેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે.
કોરોનાની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલ યોજવા પ્રશાસન મક્કમ છે. કાંકરિયા પરિસરમાં કાર્નિવલ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલ આડે બે દિવસનો સમય બાકી છે ત્યારે ચાલુ વર્ષે 4 કરોડના ખર્ચે કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવશે. કાર્નિવલની મુખ્ય થીમ 75 મો આઝાદીનો અમૃત મહોત્સવ રહેશે. જેમાં અલગ અલગ રાજયોની સંસ્કૃતિ આધારિત કાર્યક્રમ યોજાશે .25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનાર કાર્નિવલમાં અંદાજે દસ લાખ લોકો મુલાકાત કરે તેનો અંદાજ છે. કાર્નિવલ જે ત્રણ વર્ષ બાદ યોજાનાર છે. કેટલીક વિશેષતાઓ ઉપર નજર કરીએ તો, લોકગાયક અને સંગીતકારો કાર્નિવલમાં પોતાના સુર રેલાવશે. અલગ અલગ છ સ્ટેજ સમગ્ર કાંકરિયા પરિસરમાં તૈયાર કરવામાં આવ્યા છે. નગીનાવાડી ખાતે આતશબાજી બાદ કાંકરિયા કાર્નિવલ 2022 ખુલ્લો મુકાશે. ફૂડ શો અને મનોરંજન માટે અલગ અલગ એક્ટિવિટી ઉપર ભાર મુકવામાં આવ્યો છે. 1500 પોલીસનો સ્ટાફ ખડેપગે કાર્નિવલ ઉપર નજર રાખશે. 200 સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ હાથ ધરવામાં આવશે. તળાવની ફરતે અને કાંકરીયામાં રોશનીનો શણગાર કરાશે.