જૂનાગઢના ચર્ચીત તોડકાંડમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની ATS દ્વારા કરવામાં આવી ધરપકડ
જૂનાગઢના ચર્ચીત તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. પીઆઈ તરલ ભટ્ટ આ કેસ સામે આવ્યો ત્યારથી ફરાર હતો. અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ગઈકાલે ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જૂનાગઢ: જૂનાગઢના ચર્ચીત તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. પીઆઈ તરલ ભટ્ટ આ કેસ સામે આવ્યો ત્યારથી ફરાર હતો. અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ગઈકાલે ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજ દોઢ કલાકની પૂછપરછ કરવામાં આવી હતી. આજે અમદાવાદના રિંગરોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવાઈ છે. અન્ય બે આરોપીઓની પણ ધરપકડ માટે ATS સક્રિય છે. તરલ ભટ્ટની એટીએસ દ્વારા હાલ તો પૂછપરછ ચાલી રહી છે.
ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રિઝ કરી તેને અનફ્રિઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, એએસઆઈ દિપક જાની અને માણાવદરના સીપીઆઈ સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી. આથી તોડકાંડનો મુખ્ય સુત્રધાર તરલ ભટ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તરલ ભટ્ટ ફરાર થઈ ગયો હતો અને તે વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આજે તરલ ભટ્ટની અમદાવાદથી ધરપકડ કરી લેવાઈ છે. હવે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.
જૂનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ એમ ગોહિલ તેમજ એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જૂનાગઢમાં એસઓજીની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.
તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસિડેન્સીમાં પાંચમા માળે એટીએસની ટીમે તપાસ કરી હતી. દોઢ કલાક ચાલેલી આ તપસમાં પરિવાર સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ સાથે તરલ ભટ્ટનું ઘર પિતાના નામે હતું. મિલકત અને બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવવામાં આવી છે. ત્યારે આરોપી તરલ ભટ્ટની માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદીત ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું હતું. જૂનાગઢના તોડકાંડમાં તરલ ભટ્ટની મુખ્ય ભૂમિકા સામે આવી હતી.