Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે ચોમાસું, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવા લાગ્યા છે. આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Update: ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવા લાગ્યા છે. આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જમાવ્યા પ્રમાણે 6 તારીખ પછી વરસાદનું જોર વધશે.
લાંબા દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અસહ્ય ગરમી બાદ કપરાડામાં વરસાદ પડ્યો છે. કપરાડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ અમરેલી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સોનગઢ અને વ્યારા તાલુકામાં મોટાપાયે નુકશાન
તાપી જિલ્લામાં જુલાઈ માસ દરમ્યાન પડેલા ધોધમાર વરસાદને લઈ જિલ્લામાં ખેતીમાં નુકશાન થવા પામ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવતા 614 હેકટર જમીનમાં નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં જુલાઈ માસમાં પડેલા વરસાદને લઈ ખેડૂતોએ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં જિલ્લામાં અલગ અલગ 15 ટીમ બનાવી સર્વે શરૂ કરાયો હતો. જે પૂર્ણ થતાં 614 હેકટર જમીનમાં અલગ અલગ પાકોમાં નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે, જેમાં ખાસ ડોલવણ, સોનગઢ અને વ્યારા તાલુકામાં મોટાપાયે નુકશાન થયું છે. હાલ ખેતીવાડી વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સહાય આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
ઓછો વરસાદ પડતાં હાલ ખેડૂતો ચિંતામાં
બોટાદ જિલ્લામાં સરેરાશ ખૂબ ઓછો વરસાદ પડતાં હાલ ખેડૂતો ચિંતામાં છે. ચોમાસાની શરૂવાત સાથે સારો વરસાદ પડતાં વાવણી લાયક વરસાદને લઈ ખેડૂતો સમયસર વાવણી કર્યા બાદ પાકની જરૂરિયાત મુજબ વરસાદ ન હોય ખેડૂત ચિંતામાં જોવા મળ્યા છે. કારણ કે જો 8 કે 10 દિવસમાં વરસાદ ન આવે તો પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ છે. ત્યારે હાલ સરકાર દ્રારા નર્મદામાં પૂરતું પાણી હોય સરકાર દ્રારા કેનાલ મારફત સૌની યોજના અંતર્ગત જો આ ખાલી ડેમો ભરી આપે તો ખેડૂતોના આ પાકને બચાવી શકાય તેમ છે, નહિતર એક વિધે 25 થી 30 હજાર રૂપિયાનું નુકશાન ખેડૂતોને ભોગવવું પડશે તે વાતથી ખેડૂત હાલ ચિંતામાં છે.