(Source: ECI/ABP News/ABP Majha)
મોંઘવારીનો મારઃ શાકભાજીના ભાવમાં થયો તોતિંગ વધારો, જાણો કેટલા ભાવ વધ્યા?
આ વધતી જતી મોંઘવારીમાં હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. મોટા ભાગે શાકભાજીમાં 20 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જાવક બમણી થઇ જવાના કારણે ગૃહિણીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠી છે.
અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવની અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ પડી રહી છે ત્યારે આ વધતી જતી મોંઘવારીમાં હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. મોટા ભાગે શાકભાજીમાં 20 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જોકે અત્યારે માર્કેટમાં શાકભાજી સારી નથી આવતી અને અન્ય ચીજોના વધતા જતા ભાવના કારણે લોકોએ હવે શાકભાજીની ખરીદારી પણ ઓછી કરી દીધી છે. લોકોની આવકમાં અત્યારે વધારો નથી અને જાવક બમણી થઇ જવાના કારણે ગૃહિણીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠી છે.
શાકભાજીના ભાવમાં વધારો
-ગીલોડા 80 રૂપિયા પેહલા 60 રૂપિયા
-કોબીજ 60 રૂપિયા પેહલા 40 રૂપિયા
-ગવાર 100 રૂપિયા પેહલા 80 રૂપિયા
-રીંગણ 80 રૂપિયા પેહલા 60 રૂપિયા
-કેપ્સિકમ 80 રૂપિયા પેહલા 60
-ફ્લાવર 80 રૂપિયા પેહલા 60
કઠોળના વધતા ભાવને નિયંત્રણમાં લેવા સરકારે સ્ટોક મર્યાદા નક્કી કરી, મગ સિવાય તમામ કઠોળ પર લાગુ થશે નિયમ
કઠોળના ભાવ નિયંત્રણમાં લેવા માટે સરકાર ઘણા સમયથી કવાયત કરી રહી હતી. તેમ છતા બજારભાવ ખાસ પ્રભાવિત ન થતા આખરે સરકારે મગને બાદ કરતા તમામ કઠોળ પર સ્ટોક મર્યાદા દાખલ કરી છે. જથ્થાબંધ વેપારી, રિટેઈલરો, આયાતકારો અને તમામ મિલરોને મર્યાદા લાગુ પડશે. અને આ નિયમ 31 ઓક્ટોબર સુધી તેનો અમલ કરવામાં આવશે.
મંત્રાલયે આદેશમાં કહ્યું છેકે જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટન કઠોળની સ્ટોક મર્યાદા હશે. જો કે એ પણ શરત હશે કે તે એ જ કઠોળનો પૂરો 200 ટન સ્ટોક રાખી નહીં શકે. સરકારી પરિપત્ર મુજબ જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટનની મર્યાદા નક્કી થઈ છે.
મિલરો માટે સ્ટોક મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. તેમણે છેલ્લા ત્રણ માસના ઉત્પાદનની સરેરાશ અથવા ઈન્સ્ટોલ કરેલી ક્ષમતાના 25 ટકા બેમાંથી જે વધારે હોય તેટલો સ્ટોક રાખવાનો રહેશે. આયાતકારો માટે સ્ટોર મર્યાદા 15 મે 2021 પહેલા હતી તે રાખવામાં આવી છે. 15 મે 2021 પછી આયાત કરેલા કઠોળના નિકાલ 45 દિવસમાં કરી નાંખવાનો છે.
મોંઘવારી આસમાને
એક તરફ વધતા પેટ્રોલ ડીઝલના ભાવોને કારણે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દૂધ, સાબુ, શેમ્પુ, તેલ જેવી વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. ચીજવસ્તુઓના ભાવમાં છેલ્લા ૩ મહિનામાં ૪૦ ટકા ભાવ વધ્યાં છે. ગઈકાલથી રાંધણ ગેસ પણ મોંઘો થઇ ગયો છે.
રોજ વધતા પેટ્રોલ ડીઝલમા ભાવોને લીધે જનતા હેરાન પરેશાન છે તો સાથે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવની અસર હવે રોજિંદી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર પણ પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર હવે ગૃહિણીઓના બજેટ ઉપર પડતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રોજિંદી ચીજવસ્તુઓ પર પણ ઈંધણના ભાવને કારણે ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓ પણ મોંઘી બની રહી છે.