Vibrant Gujarat 2024: અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોની શું છે ખાસિયત? જાણો વિગત
Vibrant Gujarat Summit: ગાંધીનગરમાં આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયો છે. જેમાં દેશ, વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યા છે.
PM Modi Ahmedabad Road Show: ગાંધીનગરમાં આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયો છે. જેમાં દેશ, વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદી અને દુબઇના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં રોડ શો કરશે. જોકે પીએમ મોદીના આ રોડ શોની એક ખાસિયત છે. આ રોડ શો અમદાવાદનો પ્રથમ પ્લાસ્ટિક ફ્રી રોડ શો છે. પ્લાસ્ટીકની બોટલ, પાન મસાલા અને ચાના કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઠેર ઠેર 14 જેટલી પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી છે.
રોડ શોમાં આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત
પીએમ મોદી અને દુબઇના રાષ્ટ્રપતિના રોડ શો દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો ઉપસ્થિત છે. અલગ અલગ દસ ટીમો દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. બેભાન થવાના અથવા ચક્કર આવવાના કિસ્સાઓ સમયે મેડિકલ ટીમો સારવાર આપશે. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાઈ છે.
દાઉદી વોરા સમાજના લોકો જોડાયા રોડ શો મા
અમદાવાદના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોમાં જોડાયા છે. બાપુનગરના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોને લઈ ઉત્સુક છે. પીએમ ગુજરાતી છે જેનું ગૌરવ છે અને UAE ના રાષ્ટ્રપતિની ઝલક મેળવવા આવ્યા છીએ. તમામ કામ પડતા મૂકીને નાગરિકો રોડ શોમાં પહોંચ્યા છે.
જાપાનના રાજદૂતે શું કહ્યું
ભારતમાં જાપાનના રાજદૂત, હિરોશી સુઝુકી કહે છે, "હું વાઇબ્રન્ટ ગુજરાત વિશે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે અમારી 70 જાપાનીઝ કંપનીઓ આમાં ભાગ લઈ રહી છે. અમારી પાસે બે પ્રાથમિકતા ક્ષેત્રો છે - સેમિકન્ડક્ટર અને ગ્રીન ગ્રોથ ઈન્ડસ્ટ્રી. તેથી, અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને હું આશા રાખું છું કે આ વાઇબ્રન્ટ ગુજરાત જાપાન અને ભારત વચ્ચેની વિશેષ ભાગીદારી માટે ભવિષ્યમાં નક્કર પ્રગતિ તરફ દોરી જશે."
સિદ્દી ધમાલ નૃત્ય રજુ કરવામાં આવશે
PM અને UAEના રાષ્ટ્રપતિના રોડ શોમાં સિદ્દી સમાજના યુવાઓ ધમાલ કરશે. ગુજરાતના સિદ્દી સમાજનું વિખ્યાત સિદ્દી ધમાલ નૃત્ય રજુ કરવામાં આવશે. ભરૂચથી આવેલા 15 યુવકો દ્વારા સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વસતા સિદ્દી સમાજના લોકોનું આ પારંપરિક નૃત્ય છે.