Kheda News: નડિયાદમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, સ્ટેટ મોનિટરીંગ સેલે બોલાવ્યો સપાટો
પોલીસે મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશ રાયસિંહ તળપદાની ધરપકડ કરી હતી, જ્યારે 10 આરોપી વોન્ટેડ જાહેર કરાયા હતા.
Kheda News: નડિયાદમાંથી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. રીંગ રોડ પાસે આવેલી આંબા વાડિયું હોટેલ પાસેથી આ ફેક્ટરી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 2435 લીટર દેશીદારૂ ઝડપાયો છે. આ ઉપરાંત સ્થળ પરથી હજારો લીટર દારૂ અને લાઇવ ભઠ્ઠીઓ મળી આવી છે. અહીં મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો તૈયાર થતો હતો.
સ્થળ પર થી રૂ. 7 લાખની કિંમતના 8 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ 1280ની કિંમતનો 640 લીટર વોશ, રૂ. 20,800 નો 2080 કિલો ગોળ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશ રાયસિંહ તળપદાની ધરપકડ કરી હતી, જ્યારે 10 આરોપી વોન્ટેડ જાહેર કરાયા હતા.
થોડા દિવસ પહેલા હળવદના સુખપુર નજીક હોટલ પાર્કિંગમાં ગાંધીનગર એસ.એમ.સી. એ રોકાયેલા ટ્રકની તપાસ કરતા ટ્રકના ચોરખાનામાં છુપાવેલી 74440 બોટલ વિદેશી શરાબ તેમજ બીયરના ટીન મળી આવતા મધ્ય પ્રદેશના ટ્રક, દારૂના જથ્થા સહિતનો રૂા. 26.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગુજરાતમાં અંગ્રેજી દારૂ ઘુસાડવાનો અવનવા કિમિયા કરવામાં આવતા હોય છે. પોલીસ દ્વારા આવા તમામ કિમીયાઓનો પર્દાફાશ કરીને અવારનવાર અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડતા હોય છે. ત્યારે એસ.એમ.સી. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે દરોડો કરતા હળવદ તાલુકાના સુખપર ગામ પાસે આવેલી રામદેવ હોટલના ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરેલા ટ્રકની તલાસી લેતા ચોરખાનું બનાવીને ઈંગ્લિશ દારૂની હેરફેરનું કારસ્તાન ઝડપી પાડયું હતું. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરતા તેમાંથી 74440 બોટલ તેમજ બિયરના ટીન સહિત કિંમત રૂપિયા 11,4,000તથા ટ્રક રૂપિયા 15 લાખ, મોબાઈલ સહિત કુલ મળીને 26,10,280 ના મુદ્દામાલ સાથે અનિલ મંગુભાઈ મેડાની ઝડપી પાડયો હતો. જયારે તેની સાથે અંગ્રેજી દારૂની હેરાફેરીમાં મહેશ નીનામા, કૈલાશ સનાભાઈ ખરાડી, તેમજ બે અન્ય શખ્સો સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી નિલ મંગુભાઈ મેડાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પૂછેલા પ્રશ્નના જવાબમાં દારૂને લગતી ચોંકાવનારી વિગત સામે આવી છે. સરકારે આપેલા જવાબ મુજબ, રાજ્યમાં વર્ષ 2023ની સ્થિતિએ 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમીટ છે. છેલ્લા 3 વર્ષમાં 14 હજાર 696 દારૂની પરમીટ માટે નવી અરજીઓ મળી છે, જ્યારે 30 હજાર 112 લોકોની દારૂની પરમીટ રીન્યુ કરવામાં આવી છે. સરકારને દારૂના પરવાનાથી કરોડોની આવક થઈ છે. 3 વર્ષમાં દારૂના નવા પરવાના હેઠળ 8 કરોડ 75 લાખ 87 હજાર 300 રૂપિયાની આવક થઈ છે. જ્યારે 3 વર્ષમાં દારૂના રીન્યુ પરવાના હેઠળ 29 કરોડ 80 લાખ 33 હજાર 300 રૂપિયાની આવક થઈ છે. આમ છેલ્લા 3 વર્ષમાં સરકારને દારૂના પરવાના હેઠળ 38 કરોડ 56 લાખ 20 હજાર 600 રૂપિયાની આવક થઈ છે.