Bhavnagar : ભાવનગરમાં કોમ્પલેક્સ ધરાશાયી બાદ પ્રશાસન એક્શનમાં, આઠ ફ્લેટ અને કોમ્પલેક્સને અપાઇ નોટિસ
ભાવનગરમાં માધવહિલ કોમ્પલેક્સની ગેલેરી તૂટ્યા બાદ ભાવનગર પ્રશાસન એક્શનમાં આવ્યું છે
ભાવનગરમાં માધવહિલ કોમ્પલેક્સની ગેલેરી તૂટ્યા બાદ ભાવનગર પ્રશાસન એક્શનમાં આવ્યું છે. ભાવનગર પ્રશાસને 8 ફ્લેટ અને કોમ્પલેક્સને નોટિસ પાઠવી હતી. સિંધુનગરમાં જર્જરિત ગોપાલ દર્શન ફ્લેટનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું તો ઘોઘા સર્કલના વાહેગુરુ કોમ્પલેક્ષને વેપારીઓએ જાતે જ તોડી પાડ્યું હતું.
ભાવનગર માધવહિલ કોમ્પલેક્સની ગેલેરી તૂટી પડવાના મામલા બાદ તંત્ર જાગ્યું હતું. સિંધુ નગરમાં ગોપાલ દર્શન ફ્લેટને મ.ન.પા એ તોડવાનું શરૂ કર્યું હતું. અન્ય બિલ્ડિંગોનું ત્રણ દિવસમાં સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે. જો માલિકો રિપોર્ટ રજૂ નહિ કરે તો બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા નોટિસ અપાશે.
જામનગરમાં થોડા સમય પૂર્વે શહેરના સાધના કોલોનીમાં ત્રણ માળનો આવાસનો બ્લોક ધરાશાયી થવા મામલે કાર્યવાહી હાથ ધરાઇ છે. મનપા દ્વારા જર્જરિત આવાસ અંગે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. મનપા દ્વારા ૧૪૦૪ આવાસ યોજનાના રહેવાસીઓને 5 દિવસનું અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
વર્ષોથી વારંવારની તાકીદ છતાં પણ જર્જરિત આવાસ ખાલી ના કરતા અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આવાસ ધારકોને પાંચ દિવસમાં તમામ ઘરોમાંથી સામાન સંપૂર્ણ પણે ખાલી કરી આપવાના રહેશે. નહી તો જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ 1404 આવાસો બંધ કે વપરાશમાં જે પણ સ્થિતિમાં હશે તેનો એક તરફી કબજો કરી લેશે.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ માધવહિલ કોમ્પ્લેક્સનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને ભાવનગર સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક મહિલાની ઓળખ હંસાબેન ઈશ્વરભાઈ જમોડ તરીકે થઇ હતી. આ દુર્ઘટનામાં બિલ્ડિંગના ઉપરના ભાગની ઓફિસોને પણ નુકસાન થયું છે. આ ઓફિસો પણ હવે જોખમી બની છે. કોમ્પ્લેક્સના પહેલા ત્રણ માળમાં 200 દુકાનો આવેલી છે.