Bhavnagar: છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લામાં ત્રણની હત્યાથી ચકચાર, ફટાકડા ફોડવાની ના પાડતા ડોક્ટરનું મર્ડર
દિવાળીના તહેવારમાં ફટકડા ફોડવાની ના પાડતા ભાવનગરમાં બે હત્યા કરાઇ હતી.
Bhavnagar: ભાવનગર જિલ્લામાં 24 કલાકમાં ત્રણ હત્યા થતાં ચકચાર મચી ગઇ હતી. દિવાળીના તહેવારમાં ફટકડા ફોડવાની ના પાડતા બાલ યોગીનગરમાં ડોક્ટર અને ઘોઘામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જ્યારે ગજ્જર ચોકમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી.
મળતી જાણકારી અનુસાર, ભાવનગરમાં બાલ યોગીનગર વિસ્તારમાં સામાન્ય બાબતે ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી. ફટાકડા ફોડવાની ના પાડતા ડોક્ટર પર તીક્ષણ હથિયારથી હુમલો કરાયો હતો. પિતાને બચવા જતા હત્યા કરનાર શખ્સોએ પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં ડોક્ટર શિવરાજભાઈ લાખાણીનું મોત થયું છે. જો કે બનાવની જાણ થતા SP, DYSP સહિતની પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ તરફ બનાસકાંઠામાં પાલનપુર હાઇવે પર આવેલી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના બની હતી. ડોક્ટર એચ કે ગૌસ્વામી પર અજાણ્યા શખ્સોએ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતા ડોક્ટરને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ભાવનગર શહેરના ગજ્જરના ચોકમાં દિવાળીના પર્વ પર યુવાનની હત્યા કરવામા આવી હતી. ફરદીન કુરેશી નામના 24 વર્ષીય યુવકની મોડી રાત્રે તીક્ષ્ણ હત્યારનાં ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. યુવક ફટાકડા ફોડી રહ્યો હતો તે સમયે ઝઘડો થયો હતો. દરમિયાન મહિલા સહિતના શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવકનું મોત થયું હતું. જો કે પ્રેમ પ્રકરણ યુવકની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આરોપ છે કે પોલીસની હાજરીમાં જ જીવલેણ હુમલો કરાયો છતાં પણ પોલીસ હત્યા કરનાર શખ્સોને રોકી શકી નહીં. તો ભાવનગરના ઘોઘા તાલુકામાં પણ હત્યાની ઘટના બની હતી. હાથબ ગામે 45 વર્ષીય બુધાભાઈ બારૈયા નામના વ્યક્તિ ઉપર ફટાકડા ફોડવાની ના પાડતા ચારથી પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બુધાભાઈ બારૈયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા
ભાવનગર શહેરની સરકારી હોસ્પિટલમાં વધુ એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની પાછળની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જયંતીભાઈ ચુડાસમા નામના હાથબ ગામના વ્યક્તિની આ લાશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસ કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.