(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar : ભાવનગરમાં શ્વાનનો આતંક, રખડતા શ્વાને ચાર માસની બાળકીને ફાડી ખાતા ચકચાર
Bhavnagar News : શ્વાનના કરડવાથી શ્રમિક પરિવારની માસુમનું મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યું છે.
Bhavnagar : ભાવનગર શહેરમાં રખડતા ઢોરની સાથે શેરી વિસ્તાર અને રોડ પર પણ શ્વાનનો આંતક જોવા મળી રહ્યો છે. શહેર વિસ્તારમાં 10,000 થી વધુ શ્વાન ફરી રહ્યા છે જેનો દરરોજ કોઈને કોઈ ભોગ બની રહ્યા છે. ભાવનગર શહેરમાં રખડતા શ્વાને ચાર માસની માસૂમ બાળકીને ફાડી ખાતા ચકચાર મચી ગઇ છે.
શ્રમિક પરિવારની ચાર માસની બાળકીનું મોત
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના મહાલક્ષ્મી સોસાયટીમાં રહતા હિંમતભાઈ ભાલિયાની ચાર માસની દીકરી કાવ્યાને શ્વાને માથાના ભાગે બચકા ભરી લેતા ગંભીર ઈજા થઈ હતી. જેને ટુ-વ્હીલર બાઈક પર ભાવનગર સર્ટી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં આ ચાર માસની બાળકીનું મોત નીપજ્યું હતું બનાવને લઈ સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયું છે પરિવાર મજુરીકામ કરીને ગુજરાન ચલાવી રહ્યું છે. શ્વાનના કરડવાથી માસુમનું મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યું છે.
શ્વાન કરડવાના દરરોજ 100થી વધુ કેસ
એક તરફ મનપા રખડતા શ્વાનના ખસીકરણ માટે દર વર્ષે પોણા કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં શહેરમાં શ્વાનનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે, દરરોજ શહેરમાં 100થી વધુ લોકોને શ્વાન કરડી જવાનાં કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. ચિત્રા વિસ્તારમાં રહેતી ચાર માસની માસૂમ કાવ્યા ફળિયામાં સુઈ રહી હતી એ દરમિયાન સ્વાન ના આંતકથી માસુમનો ભોગ લેવાયો.
મેયરના વિસ્તારમાં ઘટના બની, છતાં પરિવારની મુલાકાત ન લીઘી
મેયર કીર્તિબેન દાણીધરીયા આ વિસ્તારના નગરસેવક છે છતાં આ પરિવાર કે જેમને ચાર માસની દીકરી ગુમાવી છે તેમને સાંત્વના આપવા પણ જઈ શક્યા નથી. સામાન્ય પાર્ટીના પ્રોગ્રામમાં અગાઉ આવીને બેસી જતા મેયર કીર્તિબેન એ દુઃખની ધડીમાં માસુમ પરિવાર સાથે ઉભું રહેવું જોઈએ. જોકે ભાવનગરના પ્રથમ નાગરિક મેયર હોય છે શહેરીજનોના ફોન પણ ઉપાડવાની તસ્દી લઈ રહ્યા નથી.