(Source: ECI/ABP News/ABP Majha)
BHAVNAGAR : સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવાના નિર્ણય સામે તબીબી વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો
Bhavnagar News : ભાવનગર સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા.
Bhavnagar : ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય જેને લઈને વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવાના નિર્ણયને લઈ વિદ્યાર્થીઓના આંદોલને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આજે મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ તેમની માંગણીઓને લઈને આજથી અચોક્કસ હડતાલ પર ઉતરી ગયા છે. જો કે રાજ્યના શિક્ષણ મંત્રી ભાવનગરના અને દેશના આરોગ્ય મંત્રી પણ ભાવનગરના હોય ત્યારે આરોગ્યના વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ ન આવતા આખરે હડતાલનો માર્ગ અપનાવો પડ્યો છે.
માત્ર 20 વર્ષના જર્જરિત થઇ ગયું બિલ્ડીંગ
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજની બિલ્ડીંગ માત્ર 20 વર્ષમાં જર્જરિત થઈ ગઈ છે. કરોડો રૂપિયાનો ખર્ચ સ્ટ્રકચર પાછળ કરવામાં આવ્યો છે છતાં પણ માત્ર 20 વર્ષમાં હોસ્પિટલમાંથી પોપડા પડી રહ્યા છે, જેની તપાસ કરવાના બદલે મેડિકલ પ્રશાસન ઠરાવ પાસ કરી અભ્યાસ કરી રહેલા 900 વિદ્યાર્થીઓને નિયમોના બહારના સ્થળે સ્થળાંતર કરી રીનોવેશનનું કામ હાથ ધરી રહી છે.
900 જેટલા તબીબી વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા
એક તરફ મેડિકલ કોલેજમાં શૈક્ષણિક સત્ર શરૂ છે જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાના નિર્ણયથી સ્ટુડન્ટોના અભ્યાસ પર અસર પડી રહી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી બંને ભાવનગર જિલ્લાના હોવા છતાં પણ મેડિકલ કોલેજના સ્ટુડન્ટોને સાથે અન્યાય થઈ રહ્યો છે. જેને લઈને આજથી મેડિકલ કોલેજના 900 જેટલા વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા છે
નવા સ્થળે સુવિધાઓનો અભાવ
મેડિકલ કોલેજ નું મૂળ બિલ્ડીંગ જર્જરી હાલતમાં હોવાના કારણે તેને રીનોવેશન કરવા માટે વિદ્યાર્થીઓને રૂવાપરી રોડ પર આવેલી લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે જગ્યા પર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તે જગ્યા પર NMC નિયમ મુજબ સવલતો નથી, જેના કારણે અભ્યાસ સાથે ડિગ્રી ઉપર પણ અસર પડી છે, સાથે જ તે જગ્યા શહેરથી દૂર હોય તેમને હોસ્પિટલ અવનજવન માટે પણ મુશ્કેલી પડી શકે છે.
જીવના જોખમે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
જોકે મેડિકલ કોલેજના ડિન દ્વારા આ અંગે રાજ્યના તમામ સંબંધીત વિભાગોમાં લેખિત જાણ કરવા છતાં પણ તંત્ર તરફથી કોઈપણ પ્રકારનો સંતોષકારક પ્રત્યુતર મળેલ નથી,હાલનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે તે છેલ્લા બે વર્ષથી જર્જરીત હોવા છતાં પણ વિદ્યાર્થીઓ જીવના જોખમે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ભાવનગરમાંથી રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ દેશના આરોગ્યમંત્રી હોવા છતાં પણ આરોગ્યના વિદ્યાર્થીઓની મુશ્કેલી નો હલ ન આવતા આખરે વિદ્યાર્થીઓ હડતાલના માર્ગે જવું પડ્યું.