Bhavnagar: તસ્કરોને તરખાટ, ઘર માલિક બહાર ગયા ને ચોરો રોકડ અને દાગીના લઇને ફરાર, કેટલાની થઇ ચોરી ?
વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે એક બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી લાખો રૂપિયાનો હાથ ફેરો કરીને ફરાર થઇ ગયા છે.
Bhavnagar: રાજ્યોમાં ચોરીનો સિલસિલો યથાવત છે, રાજકોટ બાદ હવે ભાવનગરમાંથી પણ લાખોની ચોરી થયાની ઘટના સામે આવી છે, ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં તસ્કરોનો તરખાટ મચાવ્યો છે. અહીં લગભગ 15 લાખથી વધુની ચોરી થયાની ઘટના ઘટી છે. માહિતી પ્રમાણે, વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે એક બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી લાખો રૂપિયાનો હાથ ફેરો કરીને ફરાર થઇ ગયા છે. ચમારડી ગામના દરબારગઢ વિસ્તારમાં પરિવાર કામ અર્થે બહાર ગયો હતો તે દરમિયાન આને લાભ ઉઠાવી ગયા હતા. આ ઘટનામાં તસ્કરોએ ઘરમાંથી આશરે રૂપિયા 4 લાખ 50 હજારની રોકડા તેમજ 20 તોલા સોનાના અને ચાંદીનાં દાગીના સહિતનો મુદ્દામાલ લઇને નાસી છૂટ્યા હતા. ખાસ વાત છે કે, તસ્કરોએ અંદાજિત 15 લાખથી વધુની ચોરી કરી છે. આ બાદ ઘટનાની જાણ વલ્લભીપુર પોલીસને થતાં DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પહોંચ્યો હતો, અને ઘટનાની તપાસમાં અલગ-અલગ પોલીસની ટીમો બનાવી ચોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
ડમીકાંડના મુખ્ય આરોપી રમણિક જાનીની કરાઈ ધરપકડ, નવ મહિનાથી હતો ફરાર
ભાવનગરઃ ગુજરાતના સૌથી મોટા વ્યાપક ડમી ઉમેદવાર કાંડમાં મુખ્ય આરોપી રમણિક જાનીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત રમણિક જાની ઉપર ભૂતકાળમાં પણ સરકારી નોકરીની લાલચ આપી ખોટા નિમંણૂક પત્ર બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાની ભરતનગરમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ રમણિક જાની છેલ્લા 9 મહિનાથી ફરાર હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રમણિક જાની મૂળ સિહોર તાલુકાના રબારીકા ગામનો રહેવાસી છે. રમણિક જાનીની ધરપકડ થતા આગામી દિવસોમાં નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.
પ્રાથમિક શાળામાં લાખો રુપિયાનું કૌભાંડ,જવાબ અધિકારીઓ સામે કાર્યવાહી ન થતા ઉઠ્યા સવાલો
ભાવનગર: અનેક કૌભાંડોમાં ઘેરાયેલા ભાવનગરમાં હવે એક નવું સરકારી શાળાનું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. વાત પાલીતાણા તાલુકાની છે કે જ્યાં 10 થી વધુ પ્રાથમિક શાળામાં સરકારની વિવિધ યોજનામાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત આપવામાં આવતી ગ્રાન્ટમાં લાખો રૂપિયાની ઉચાપત બહાર આવી છે. 2018 થી 2020 દરમિયાન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સરકારી તપાસમાં બહાર આવ્યું છે. આમ છતાં પણ સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સરકાર શાળાઓને અપગ્રેડ અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધા પૂરી પાડી શકે તે માટે વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપતી હોય છે જેમાં પાલીતાણા તાલુકામાં આવેલી અનેક ગ્રામ્ય કક્ષાની શાળામાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પરંતુ આ ગ્રાન્ટનો સદુપયોગ ના બદલે બારોબાર લાખો રૂપિયા ખવાઈ ચૂક્યા છે. જોકે આ સમગ્ર નેટવર્ક બહાર લાવનાર પણ પાલીતાણા તાલુકાના સરકારી શાળાના આચાર્ય છે જેમને સરકારને પત્ર લખીને આ બાબતે જાણ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું છે. જેમાં ગંભીર આક્ષેપો લગાવતા આચાર્યએ જણાવ્યું હતું કે પાલીતાણા તાલુકાની 18 પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં સરકારની ગ્રાન્ટ એસટીપી વર્ગ, સીઝનલ હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશનની યોજનાના નામે વાપરવાના હતા પરંતુ આ ગ્રાન્ટમાંથી લાખો રૂપિયા બારોબાર ખવાય ગયા છે. જે સરકારના તપાસમાં પણ ખુલી ચૂક્યું છે આમ છતાં ભાવનગરના અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી. જોકે સરકારના રૂપિયાની ઉચાપદ બહાર આવ્યા બાદ ભાવનગરના ડીડીઓ દ્વારા ફરિયાદ કરવાના બદલે એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.