(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar : તોડકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને મળી રાહત, કોર્ટે ગુજરાત ન છોડવાની શરતે આપ્યા જામીન
તોડકાંડમાં યુવરાજસિંહના જામીન કોર્ટે મંજૂર કર્યા હતા.
ભાવનગરઃ ડમીકાંડમાં તોડકાંડમાં યુવરાજસિંહના જામીન કોર્ટે મંજૂર કર્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહના જામીન મંજૂર કર્યા હતા. યુવરાજ સિંહને ગુજરાત ન છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. તે સિવાય અન્ય કેટલીક શરતો સાથે કોર્ટે જામીન આપ્યા હતા.
ડમીકાંડમાં તોડકાંડ કરવાનો યુવરાજસિંહ પર આરોપ છે. કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુવરાજસિંહને મુક્ત કરવામાં આવશે. યુવરાજ સિંહ પર આરોપ હતો કે તેણે સાળા મારફતે નાણા ઉઘરાવ્યા હતા. નોંધનીય છે કે 21 એપ્રિલે યુવરાજસિંહની ધરપકડ થઈ હતી. આમ આદમી પાર્ટીએ યુવરાજસિંહને મળેલા જામીનને ન્યાયની જીત ગણાવી હતી.
તોડકાંડમાં ભાવનગર પોલીસે આરોબી કાનભા ગોહિલના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા હતા. આરોપી કાનભા એ યુવરાજસિંહનો સાળો છે. પોલીસે આ રૂપિયા પંચોની હાજરીમાં કબ્જે લીધા હતા. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, રાજુ, ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીના નામ સામેલ છે. પોલીસે યુવરાજસિંહ જાડેજાના બન્ને સાળા કાનભા ગોહિલના મિત્રના ઘરેથી 38 લાખ અને શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ તેમજ ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી પાસેથી 5-5 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.
નોંધનીય છે કે યુવરાજસિંહ જાડેજાએ 15 જુલાઈના રોજ ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. યુવરાજસિંહના વકીલ જે. એમ. લક્કડ દ્વારા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે, તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે, તેઓ નિર્દોષ છે.
અગાઉ પોલીસે કહ્યું હતું કે યુવરાજસિંહે દહેગામમાં આવેલા એક પ્લોટમાં અડધા કરોડ કરતા પણ વધુની રકમનું રોકાણ કર્યું છે. દહેગામમાં ગાંધીનગર-મોટા ચિલોડા રોડ પર વ્રજ ગોપી રેસિડેન્સી નામથી એક રહેણાંક સ્કીમ આવેલી છે. આ સ્કીમમાં યુવરાજસિંહે 29 નંબરનો બંગલો ખરીદ્યો હતો. 3BHK બંગલામાં 150 વારમાંથી 146 વારનું તો બાંધકામ છે. અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ભરતભાઈ દોશી પાસેથી આ બંગલો ખરીદવામાં આવ્યો છે. હાલ બંગલો ભરતભાઈ દોશીના પુત્ર મનન દોશીના નામે છે.