તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
સૌરાષ્ટ્ર પ્રાંત સહપ્રમુખ લાખાભાઈ ભુવાની પ્રશાસનને ખુલ્લી ચેતવણી, હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડ્યું તો પ્રાણના ભોગે પણ બચાવવાની પ્રતિજ્ઞા.

- ભાવનગરના તળાજા તાલુકામાં ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસથી લાલઘૂમ
- ધાર્મિક સ્થાનોના દબાણો દૂર કરવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ
- સૌરાષ્ટ્ર પ્રાંતના સહ પ્રમુખ લાખાભાઈ ભૂવાની પ્રશાસનને ખૂલ્લી ચેતવણી
- જો મંદિરોના દબાણો દૂર કરાશે તો લડી લેવાની આપી ચીમકી
- કોઈ પણ ભોગે હિંદુ મંદિરોને નહીં તોડવા દેવાનો કર્યો હુંકાર
- તળાજા ટાઉનમાં 15થી 20 હિંદુ મંદિરો તોડવાની પાલિકાએ આપી છે નોટિસ
- નોટિસમાં ધાર્મિક સ્થળોના માલિકીના પુરાવા સપ્તાહમાં રજૂ કરવા ફરમાન
Bajrang Dal protest Talaja: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવાની નગરપાલિકાની નોટિસથી બજરંગ દળમાં (Bajrang Dal) ભારે રોષ જોવા મળી રહ્યો છે. તળાજા નગરપાલિકા દ્વારા ટાઉન વિસ્તારમાં આવેલા અંદાજે 15 થી 20 હિન્દુ મંદિરોને દબાણ દૂર કરવાની (Temple demolition controversy) નોટિસ ફટકારવામાં આવતા બજરંગ દળ લાલઘૂમ થયું છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.
સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખ લાખાભાઈ ભુવાએ આ મુદ્દે પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે વાયરલ કરેલા એક વિડીયોમાં જણાવ્યું છે કે, તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસરે હિન્દુ મંદિરોને તોડવા માટે નોટિસ જાહેર કરી છે, જેમાં ધાર્મિક સ્થળોના માલિકીના પુરાવા 7 દિવસમાં રજૂ કરવા માટે આદેશ કરાયો છે.
લાખાભાઈ ભુવાએ આક્ષેપ કર્યો છે કે, બજરંગ દળ પાસે એવા અનેક પુરાવા છે કે સરકારી જગ્યા પર ત્રણ-ત્રણ માળના બિલ્ડીંગો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે, પરંતુ પ્રશાસન દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારને પણ આડેહાથે લેતા કહ્યું કે, હિન્દુઓના મતથી ચૂંટાઈને આવેલા શાસકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, જો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવવું હોય તો તેમના માટે વર્તમાન શાસકો અને ઔરંગઝેબમાં કોઈ ફર્ક રહેતો નથી.
સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, જો એક પણ હિન્દુ મંદિરને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે, તો બજરંગ દળ એ ભૂલી જશે કે આ તેમની સરકાર છે અને શાસકો છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, તેઓ પોતાના પ્રાણના ભોગે પણ હિન્દુ મંદિરોને બચાવશે. લાખાભાઈ ભુવાના આ વિડીયો બાદ તળાજા પંથકમાં ભારે તંગદિલી ફેલાઈ છે અને હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.





















