Air India New Logo: એર ઇન્ડિયાને મળી નવી ઓળખ, કંપનીએ લોન્ચ કર્યો નવો લોગો, જુઓ વીડિયો
Air India New Logo: ટાટા ગ્રુપની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ તેનો નવો લોગો લોન્ચ કર્યો છે
Air India New Logo: ટાટા ગ્રુપની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ તેનો નવો લોગો લોન્ચ કર્યો છે. હવે એર ઇન્ડિયા નવા લોગો, બ્રાન્ડ અને ઓળખ સાથે જોવા મળશે. એર ઈન્ડિયાનો નવો લોગો અમર્યાદિત શક્યતાઓનું પ્રતીક દર્શાવે છે. એર ઈન્ડિયા છેલ્લા 15 મહિનાથી નવા લોગો પર કામ કરી રહી હતી. એર ઈન્ડિયાનો નવો લોગો ‘ધ વિસ્ટા’થી પ્રેરિત છે, જે અમર્યાદિત શક્યતાઓ, પ્રગતિશીલ અને ભવિષ્ય માટે એરલાઈન્સની બોલ્ડ, આત્મવિશ્વાસથી ભરેલી દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે, એમ કંપનીએ જણાવ્યું હતું.
VIDEO | Air India unveils its new livery and logo pic.twitter.com/IZCy5PLOqx
— Press Trust of India (@PTI_News) August 10, 2023
નવા લોગોના લોન્ચ પર ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું હતું કે આજે અમે એર ઈન્ડિયાને એક નવા વિઝન સાથે રજૂ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે નવો લોગો અમર્યાદિત પ્રભાવનું પ્રતીક દર્શાવે છે. તેમણે કહ્યું કે છેલ્લા 12 મહિનાથી એક મજબૂત ટીમ બનાવવામાં આવી છે અને એરલાઇનના તમામ કર્મચારીઓને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. એન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયા તેના એરક્રાફ્ટના કાફલામાં સુધારો કરવા પર કામ કરી રહી છે જેથી કરીને તેને વૈશ્વિક ધોરણો અનુસાર બનાવી શકાય.
નવો લોગો એર ઇન્ડિયા દ્વારા ઉપયોગમાં લેવાતી ક્લાસિક અને આઇકોનિક ભારતીય વિન્ડો આકારથી પ્રેરિત છે. એરલાઇન માને છે કે તે ‘અવસરોની બારી’નું પ્રતીક છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, નવી બ્રાન્ડ વિશ્વભરના મહેમાનોને સેવા આપતી વિશ્વ કક્ષાની એરલાઈન બનવાની એર ઈન્ડિયાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.
નવા લોગોને ફ્યુચરબ્રાન્ડ સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના મુસાફરોને ડિસેમ્બર 2023થી વિમાનોમાં નવો લોગો જોવા મળશે જ્યારે એર ઈન્ડિયાનું પ્રથમ એરબસ A350 નવા લોગો સાથે તેના કાફલામાં જોડાશે.
એર ઇન્ડિયાનો નવો લોગો એરલાઇનની નવી ઓળખ અને રિબ્રાન્ડિંગનો એક ભાગ છે. નવા લોગોને લોન્ચ કરતા સમયે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયા કોઈ બિઝનેસ નથી, તે ટાટા જૂથ માટે એક પેશન છે અને આ પેશન એક રાષ્ટ્રીય મિશન છે. ટાટા સન્સના ચેરમેને કહ્યું કે એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ એરલાઈન બનાવવાની સફરની શરૂઆતની થઇ ગઇ છે.