HDFC Bank: એચડીએફસી બેંકે ગુજરાતમાં 500મી શાખા ખોલી, રાજ્યમાં ખાનગી સેકટરમાં આ સીમાચિહ્ન હાંસલ કરનારી બની પ્રથમ બેંક
HDFC Bank News: બેંક આ નાણાકીય વર્ષમાં પહેલેથી જ 25 શાખાઓ ખોલી ચૂકી છે અને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં એટલે કે માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં નવી 100થી પણ વધારે શાખાઓ શરૂ કરવાની તેની યોજના છે
HDFC Bank : ભારતની અગ્રણી બેંક એચડીએફસી બેંકે ગુજરાતમાં તેની 500મી શાખાનું ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાતના અમદાવાદમાં આવેલા સિંધુ ભવન રોડ ખાતે ખોલવામાં આવેલી નવી શાખાને પગલે એચડીએફસી બેંક રાજ્યમાં આ સીમાચિહ્નને હાંસલ કરનારી ખાનગી સેક્ટરની પ્રથમ બેંક બની ગઈ છે.
દેશમાં તેમજ રાજ્યમાં બેંકની લગભગ અડધી શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં
ગુજરાતના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગ હેડ થોમસન જૉસે પ્રેસ કૉન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ શાખાનું લૉન્ચિંગ સમગ્ર ગુજરાતમાં પોતાની હાજરી વધારવાની બેંકની યોજનાને અનુરૂપ છે. તેની યોજના રાજ્યના મેટ્રો, શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તેના પદચિહ્નો વધારવાની છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં તેમજ રાજ્યમાં બેંકની લગભગ અડધી શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે.
માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં નવી 100થી પણ વધારે શાખાઓ શરૂ કરવાની તેની યોજના
છેલ્લાં 5 વર્ષમાં 102 શાખાઓ ખોલીને એચડીએફસી બેંકે ગુજરાતમાં તેના શાખાઓના નેટવર્કને ખૂબ જ ઝડપથી વિસ્તાર્યું છે. બેંક આ નાણાકીય વર્ષમાં પહેલેથી જ 25 શાખાઓ ખોલી ચૂકી છે અને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં એટલે કે માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં નવી 100થી પણ વધારે શાખાઓ શરૂ કરવાની તેની યોજના છે, જેના પરિણામે લગભગ 1000 લોકોને રોજગારી પ્રાપ્ત થાય તેવી અપેક્ષા છે.
એચડીએફસી બેંકના ગુજરાત ખાતેના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગ હેડ થોમસન જૉસે શાખાના ઉદ્ઘાટન વખતે જણાવ્યું કે, ‘અમે ગુજરાતની વિકાસગાથામાં યોગદાન આપીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. રાજ્યના લોકોની ઉદ્યોગસાહસિકતાની ભાવનાએ અનેક સફળતાઓ અપાવી છે, ખાસ કરીને એમએસએમઈ સેક્ટરમાં. અમારી શાખાઓના વિસ્તરતા જઈ રહેલા નેટવર્ક અને અન્ય પહેલ મારફતે અમારી યોજના આ વિકાસગાથાને આગળ વધારવાની અને ગુજરાતના લોકોની સમૃદ્ધિમાં વધુને વધુ યોગદાન આપવાની છે.’
અમદાવાદમાં 1996માં બેંકે ખોલી હતી પ્રથમ શાખા
વર્ષ 1996માં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એચડીએફસી બેંકની પ્રથમ શાખા ખુલવાની સાથે જ ગુજરાતમાં એચડીએફસી બેંકની વિકાસયાત્રા આરંભાઈ હતી. બેંક કૃષિ, એમએસએમઈ અને પુનઃપ્રાપ્ય ઊર્જા સહિતના અનેક ક્ષેત્રોને ધીરાણ પૂરું પાડી રહી છે. તે ખૂબ જ સક્ષમ રીટેઇલ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં કાર લૉન, ટુ-વ્હિલર લૉન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લૉન, પર્સનલ લૉન અને ક્રેડિટ કાર્ડ્સનો સમાવેશ થાય છે.