શું બેંકો પોતાની મરજીથી લઘુત્તમ બેલેન્સ નક્કી કરી શકે છે? RBI ગવર્નરે નિયમો વિશે કરી મોટી સ્પષ્ટતા
ભારતમાં બેંકિંગ ક્ષેત્રમાં લઘુત્તમ બેલેન્સનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. હાલમાં, ICICI બેંક દ્વારા લઘુત્તમ બેલેન્સની મર્યાદા વધારવામાં આવતા આ વિષય ફરી એકવાર ગરમ બન્યો છે.

RBI rules on minimum balance: ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે બેંકો પોત-પોતાના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. આ બાબત RBI ના નિયમનકારી અધિકારક્ષેત્રમાં આવતી નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ICICI બેંકે નવા બચત ખાતા માટે લઘુત્તમ માસિક બેલેન્સ ₹10,000 થી વધારીને ₹50,000 કરી દીધું છે. આ નિર્ણય પર ગ્રાહકોમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે RBI ગવર્નરે સ્પષ્ટતા કરી છે કે દરેક બેંક પોતાના હિસાબે નિયમો બનાવી શકે છે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે બેંકો લઘુત્તમ બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર છે અને આ RBI ના કાર્યક્ષેત્રમાં આવતું નથી. આ નિવેદન ICICI બેંક દ્વારા તેના નવા બચત ખાતા માટે લઘુત્તમ માસિક બેલેન્સ (MAB) ₹10,000 થી વધારીને ₹50,000 કર્યા પછી આવ્યું છે. બીજી તરફ, SBI જેવી કેટલીક બેંકોએ લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ દંડ વસૂલવાનું બંધ કર્યું છે. મલ્હોત્રાએ આ સાથે ડિજિટલ સાક્ષરતા અને PM જન-ધન યોજનાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેથી સમાજના દરેક વર્ગને નાણાકીય સેવાઓનો લાભ મળી શકે.
ICICI બેંકનો નિર્ણય
ICICI બેંકે 1 ઓગસ્ટથી નવા બચત ખાતા ખોલનારા ગ્રાહકો માટે લઘુત્તમ માસિક બેલેન્સ (MAB)માં ધરખમ વધારો કર્યો છે.
- શહેરી વિસ્તારોમાં MAB ₹10,000 થી વધારીને ₹50,000 કરવામાં આવ્યું છે.
- નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો માટે આ રકમ અનુક્રમે ₹25,000 અને ₹10,000 કરવામાં આવી છે.
આ નિર્ણયથી ઘણા ગ્રાહકોમાં અસંતોષ ફેલાયો છે. જોકે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) જેવી સરકારી બેંકોએ લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ દંડ લેવાનું બંધ કર્યું છે, જે ગ્રાહકો માટે રાહતરૂપ છે.
RBI ગવર્નરનું નિવેદન
ગુજરાતના મહેસાણા જિલ્લામાં એક કાર્યક્રમમાં બોલતા, સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કહ્યું કે:
"RBI એ લઘુત્તમ બેલેન્સ નક્કી કરવાનો નિર્ણય દરેક બેંક પર છોડી દીધો છે. કેટલીક બેંકોએ તેને ₹10,000 રાખ્યું છે, કેટલીકે ₹2,000, અને કેટલીકે તો ગ્રાહકોને તેનાથી મુક્તિ પણ આપી છે. આ બાબત RBI ના નિયમનકારી અધિકારક્ષેત્રમાં આવતી નથી."
આનો અર્થ એ છે કે બેંકો પોતાની બિઝનેસ પોલિસી અનુસાર લઘુત્તમ બેલેન્સની મર્યાદા નક્કી કરી શકે છે.
ડિજિટલ સાક્ષરતા અને નાણાકીય સમાવેશ પર ભાર
ગવર્નર મલ્હોત્રાએ આ કાર્યક્રમમાં ડિજિટલ સાક્ષરતાના મહત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આજના યુગમાં ડિજિટલ સાક્ષરતા એટલી જ જરૂરી છે જેટલું શિક્ષણ. જો લોકો ડિજિટલ સાક્ષર નહીં હોય તો પ્રગતિ કરી શકશે નહીં. તેમણે PM જન-ધન યોજનાની પણ પ્રશંસા કરી અને કહ્યું કે આ યોજનાનો હેતુ સમાજના દરેક વર્ગને બેંકિંગ સેવાઓ સાથે જોડવાનો છે. બેંક ઓફ બરોડાના CEO દેવદત્ત ચંદે પણ જન-ધન ખાતાઓમાં KYC અપડેટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.





















