Ration Card: રેશન કાર્ડ રદ થઈ જશે! મફતમાં મળતા ઘઉં-ચોખા પણ નહીં મળે, ફટાફટ આ કામ કરો
જો તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશનનો લાભ લઈ રહ્યા છો, તો તમારા માટે આ ખૂબ જ અગત્યના સમાચાર છે.

PM Garib Kalyan Anna Yojana eKYC: જો તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશનનો લાભ લઈ રહ્યા છો, તો તમારા માટે આ ખૂબ જ અગત્યના સમાચાર છે. ભારત સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હવે રેશન કાર્ડમાં સમાવિષ્ટ દરેક સભ્યનું eKYC (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) કરાવવું ફરજિયાત છે. જો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ નહીં થાય, તો તમારા રેશન કાર્ડમાં સમાવિષ્ટ સભ્યોના નામ કાઢી નાખવામાં આવશે, અને ગંભીર કિસ્સાઓમાં તમારું આખું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે, જેના પરિણામે તમને ઘઉં, ચોખા જેવા મફત અનાજનો લાભ મળતો બંધ થઈ જશે.
ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કરોડો લાભાર્થીઓને આ મહત્વપૂર્ણ માહિતી X (પૂર્વ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં યોજનાના લાભો કોઈપણ વિક્ષેપ વિના ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે, ફક્ત પરિવારના વડા જ નહીં, પરંતુ રેશન કાર્ડ પર નોંધાયેલા દરેક સભ્યનું આધાર આધારિત વેરિફિકેશન (eKYC) જરૂરી છે.
eKYC વિના નામ કપાશે અને રાશન કાર્ડ પણ રદ થઈ શકે છે
સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, જો રેશન કાર્ડ સાથે સંકળાયેલા સભ્યોનું eKYC કરવામાં નહીં આવે, તો તેમનું નામ રેશન કાર્ડમાંથી કાઢી શકાય છે. આનાથી રાશન મેળવવામાં મુશ્કેલી ઊભી થશે. એટલું જ નહીં, આખું રેશન કાર્ડ પણ રદ થવાનો ખતરો છે. તેથી, સરકાર દ્વારા તમામ લાભાર્થીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમના નજીકના રાશન ડીલર અથવા જાહેર સેવા કેન્દ્ર (CSC) પર જાય અને eKYC પ્રક્રિયા પૂર્ણ કરે. આનાથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાશે અને મફત રાશનનો લાભ અવિરતપણે મળતો રહેશે. પોસ્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, "મફત રાશન તમારો અધિકાર છે અને eKYC તમારા અધિકારનું રક્ષણ કરવાનું એક માધ્યમ છે." આનો અર્થ એ કે, જો તમે સમયસર eKYC નહીં કરાવો, તો આગામી સમયમાં આ યોજનાનો લાભ મેળવવો મુશ્કેલ બની શકે છે.
#PMGKAY के तहत मुफ़्त राशन आपका अधिकार है और #eKYC आपके अधिकार को सुरक्षित रखने का माध्यम है। इसलिए राशन कार्ड में दर्ज़ सभी सदस्यों की eKYC ज़रूर कराएं और भविष्य में होने वाली असुविधा से बचें। pic.twitter.com/5GZhuv1sAb
— Department of Food & Public Distribution (@fooddeptgoi) July 19, 2025
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વિશે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) માર્ચ 2020 માં કોવિડ-19 મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને દર મહિને મફત અનાજ પૂરો પાડીને તેમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. આ યોજનાનો અત્યાર સુધી અનેક તબક્કામાં વિસ્તાર કરવામાં આવ્યો છે અને હાલમાં દેશભરમાં લગભગ 80.67 કરોડ પાત્ર લાભાર્થીઓને મફત રાશન (ઘઉં, ચોખા વગેરે) મળી રહ્યું છે. આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ 'એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ' (ONORC) સિસ્ટમ દ્વારા દેશભરમાં લાગુ પડે છે, જેથી લાભાર્થીઓ દેશમાં ગમે ત્યાંથી પોતાનું રાશન મેળવી શકે. સરકારે આ યોજનાને 1 જાન્યુઆરી, 2024 થી આગામી 5 વર્ષ માટે લંબાવી છે, એટલે કે હવે તે ડિસેમ્બર 2028 સુધી ચાલુ રહેશે.





















