Income Tax Return: રિફંડ મળ્યા બાદ પણ ITRમાં કરી શકો છો સુધારો, જાણો કેવી રીતે અને ક્યાં સુધી ફાઇલ કરી શકો છો રિવાઇઝ્ડ રિટર્ન
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કરદાતાઓ ધ્યાન રાખે છે કે તેઓએ ITRમાં તેમની આવક વિશે સાચી માહિતી આપવી જોઈએ.
Revised ITR Filing: આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કરદાતાઓ ધ્યાન રાખે છે કે તેઓએ ITRમાં તેમની આવક વિશે સાચી માહિતી આપવી જોઈએ. ઘણી વખત કરદાતાઓ બેન્ક ખાતામાં ડિપોઝીટ પર મળનારા વ્યાજની આવક વિશે સાચી માહિતી આપતા નથી અથવા ખોટી કપાતનો દાવો કરે છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એટલું જ નહીં, જો તમને આવકવેરા વિભાગ તરફથી ઓછું રિફંડ મળે તો તેની સામે અપીલ કરવાની પણ જોગવાઈ છે.
139(5) હેઠળ ભરી શકો છો રિવાઇઝ્ડ રિટર્ન
ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી પણ તમે તમારા આઈટીઆરને ફરીથી સુધારી શકો છો. આવકવેરા કાયદાની કલમ 139(5) હેઠળ કરદાતાઓ રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરીને ITRમાં થયેલી ભૂલોને સુધારી શકે છે. આ કાયદા અનુસાર ITR ફાઇલ કર્યા પછી જો કરદાતાને લાગે છે કે તે કંઈક જાહેર કરવાનું ચૂકી ગયો છે અથવા કોઈ ભૂલ કરી છે તો તે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરીને ITR સુધારી શકે છે.
પ્રોસેસિંગ - રિફંડ મળ્યા પછી પણ રિવાઇઝ્ડ રિટર્ન ભરી શકાય છે
કરદાતાઓ માટે રાહતની વાત છે કે તેમના આવકવેરા રિટર્નની પ્રક્રિયા થઈ ગઈ હોવા છતાં તેઓ કલમ 139(5) હેઠળ રિવાઈઝ્ડ રિટર્ન ઓનલાઈન ફાઈલ કરી શકે છે. એવું પણ બની શકે છે કે કરદાતાના ITRની પ્રક્રિયા કરવામાં આવી હોય અને તેને રિફંડ આપવામાં આવ્યું હોય. આવા કિસ્સાઓમાં રિફંડ મળ્યા પછી પણ કરદાતા ITR સુધારવા માટે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકે છે.
રિવાઇઝ્ડ રિટર્ન 31 ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકાશે
નોંધનીય છે કે અસેસમેન્ટ યર સમાપ્ત થવાના ત્રણ દિવસ પહેલા રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકાય છે. ઉદાહરણ તરીકે વર્તમાન આકારણી વર્ષ 2023-24ના કિસ્સામાં તમે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે જેમાં કેટલીક ભૂલ થઈ છે, તો પછી 31 ડિસેમ્બર 2023 સુધીમાં તમે સંશોધિત ITR ફાઇલ કરી શકો છો. વિલંબિત ITR ફાઇલ કરનારા કરદાતાઓ પણ સુધારેલ ITR ફાઇલ કરી શકે છે. 2019-20 સુધી 31મી માર્ચ સુધી સુધારેલા રિટર્ન ફાઈલ કરવાની સુવિધા હતી, જ્યારે સરકારે સમયમર્યાદામાં ત્રણ મહિનાનો ઘટાડો કરીને તેને 31મી ડિસેમ્બર કરી દીધી હતી.
ઓછા રિફંડના કિસ્સામાં શું કરવું?
ધારો કે તમે ITR ફાઇલ કર્યું છે અને તમે જે દાવો કર્યો હતો તેના કરતાં તમને ઓછું ટેક્સ રિફંડ મળે છે, તો તમને આવકવેરા કાયદા હેઠળ વિભાગમાં અપીલ કરવાનો અધિકાર છે. જો કોઈ કરદાતાને ફોર્મ 26ASમાં TDS ક્રેડિટ હોવા છતાં ઓછું ટેક્સ રિફંડ મળે છે, તો તે આવકવેરા કાયદાની કલમ 154 હેઠળ રેક્ટિફિકેશન રિક્વેસ્ટ ફાઇલ કરીને બાકીના ટેક્સ રિફંડનો દાવો કરી શકે છે. આવકવેરા વિભાગ કરદાતાઓની વિનંતીઓનો અભ્યાસ કર્યા પછી તેમને બાકી રિફંડ આપી શકે છે.