Mukesh Ambani એ 13 કરોડમાં ખરીદી નવી Rolls Royce SUV, નંબર માટે ખર્ચ્યા આટલા રૂપિયા
Mukesh Ambani Car: રોલ્સ રોયસ Cullinan પેટ્રોલ મોડલ કારને કંપનીએ દક્ષિણ મુંબઈના તારદેવ આરટીઓમાં રજિસ્ટર્ડ કરાવ્યું હતું.
Mukesh Ambani Bought New Rolls Royce Car: ભારતના ટોચના ઉદ્યોગપતિ પૈકીના એક મુકેશ અંબાણીએ નવી રોલ્સ રોયસ એસયુવી કાર ખરીદી છે. જાણકારી અનુસાર આ કારની કિંમત 13 કરોડ 14 લાખ રૂપિયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના માલિક મુકેશ અંબાણીએ ખરીદેલી અલ્ટ્રા લક્ઝરી રોલ્સ રોયસ SUV કાર યુકેની લક્ઝરી વાહન નિર્માતા કંપની રોલ્સ રોયસે બનાવી છે. ટસ્કન સન કલરની આ લક્ઝરી કાર 12 સિલિન્ડરની હોવાનું કહેવાય છે. આ લક્ઝરી કારનું વજન લગભગ 2.5 ટન છે.
મુકેશ અંબાણીએ દેશની સૌથી મોંઘી કાર ખરીદી
RTO અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લક્ઝરી કાર દેશમાં અત્યાર સુધીની સૌથી મોંઘી કારમાંથી એક છે. આ બાબતથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે રોલ્સ-રોયસ ક્યુલિનન પેટ્રોલ મોડલ કાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) દ્વારા 31 જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં તારદેવ પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં નોંધવામાં આવી હતી. 2018 માં તેની પ્રથમ રજૂઆત પછી તેની મૂળ કિંમત 6.95 કરોડ હતી. ઓટો ઈન્ડસ્ટ્રીના જાણકારોના મતે આ કારમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેના પછી તેની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો હતો. RTO અધિકારીઓએ કહ્યું છે કે અંબાણીએ ખરીદેલી Cullinan SUV દેશમાં અત્યાર સુધીની સૌથી મોંઘી કારમાંથી એક છે.
VIP નંબર માટે 12 લાખ રૂપિયા ખર્ચ્યા
RTO અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપનીએ 12-સિલિન્ડર કાર માટે 'ટસ્કન સન' કલર પસંદ કર્યો છે જેનું વજન 2.5 ટનથી વધુ છે અને 564 bhp પાવરનું ઉત્પાદન કરે છે. આ લક્ઝરી કાર માટે ખાસ નંબર પ્લેટ પણ લેવામાં આવી હતી. આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કારનું રજીસ્ટ્રેશન 30 જાન્યુઆરી, 2037 સુધી માન્ય છે. RIL એ કાર માટે 20 લાખની રકમ ચૂકવી હતી. નવી લક્ઝરી કાર માટે VIP નંબર મેળવવા માટે 12 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.