LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ
LIC:કરોડો લોકોને રાહત આપતા આરબીઆઈએ આ શનિવાર અને રવિવારે બેન્કો ખુલ્લી રાખવાના નિર્દેશ આપ્યા છે.
LIC: માર્ચના અંતિમ સપ્તાહમાં ખાસ કરીને 30 અને 31 માર્ચના રોજ આવકવેરા અને બેન્ક સહિતના અનેક નાણાકીય કાર્યો પૂર્ણ કરવાની ઉતાવળ હોય છે. પરંતુ, શનિવાર અને રવિવારના કારણે ઘણીવાર કેટલાક કામ મોકૂફ રહે છે. આ વર્ષે પણ 30 અને 31 માર્ચ શનિવાર અને રવિવાર છે. કરોડો લોકોને રાહત આપતા આરબીઆઈએ આ શનિવાર અને રવિવારે બેન્કો ખુલ્લી રાખવાના નિર્દેશ આપ્યા છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) પણ કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના અંત પહેલા કર બચત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સુવિધા આપવા માટે 30 માર્ચ અને 31 માર્ચે તેની ઓફિસો ખુલ્લી રાખશે.
Press Release: Special Measures for extending services to Policy Holders of LIC of India#LIC pic.twitter.com/qH4oNVe7Gi
— LIC India Forever (@LICIndiaForever) March 28, 2024
એલઆઈસીએ આ નિર્ણય બેન્કોની એ જાહેરાત બાદ લેવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે શનિવાર અને રવિવારે તેમની શાખાઓ ખુલ્લી રહેશે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ બેન્કોને તેમની શાખાઓ 30 માર્ચ અને 31 માર્ચ, 2024 ના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી સરકારી વ્યવહારો માટે ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ જણાવ્યું હતું કે વીમા નિયમનકાર IRDAI ની સલાહ મુજબ LICએ આ વિશેષ પગલાને પોલિસીધારકોના હિતમાં લીધો છે. નિવેદન અનુસાર, ''એવું નક્કી કરવામાં આવ્યું છે કે પોલિસીધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 'ઝોન' અને ડિવિઝનના અધિકારક્ષેત્ર હેઠળની ઓફિસો 30 અને 31 માર્ચ 2024ના રોજ સત્તાવાર કામકાજના કલાકો સુધી સામાન્ય કામગીરી માટે ઓપન રહેશે.
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA) એ વીમા કંપનીઓને સલાહ આપી છે કે તેઓ પોલિસીધારકોને કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા માટે 30 માર્ચ અને 31 માર્ચે તેમની ઓફિસો ખુલ્લી રાખે. IRDA અનુસાર, વીમા કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પૉલિસીધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 30 અને 31 માર્ચ, 2024ના રોજ સામાન્ય કામકાજના કલાકો પ્રમાણે તેમની શાખાઓ ખુલી રાખે.