LPG Price Cut: શું હવે એલપીજી ગેસના ભાવ ઘટશે? ભારત અને અમેરિકા વચ્ચે થઈ ઐતિહાસિક ડીલ, જાણો વિગત
LPG price cut India: ભારત વાર્ષિક 2.2 MTPA ગેસની આયાત કરશે, 2026 થી શરૂ થશે સપ્લાય; મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી મોટી જાણકારી.

LPG price cut India: મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી શકે છે. ભારતે રાંધણ ગેસ (LPG) ના પુરવઠાને વધુ મજબૂત અને સસ્તો બનાવવા માટે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી છે કે ભારતીય ઓઈલ કંપનીઓએ અમેરિકા પાસેથી વાર્ષિક 2.2 Million Tonnes (MTPA) એલપીજી આયાત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઐતિહાસિક ડીલના કારણે ભારતમાં ગેસની અછત દૂર થશે અને ભવિષ્યમાં ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં અથવા સ્થિર રાખવામાં મોટી મદદ મળશે. આ આયાત પ્રક્રિયા વર્ષ 2026 થી શરૂ થશે.
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક કરાર
ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. નવી દિલ્હી ખાતે માહિતી આપતા મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, ભારતની સરકારી માલિકીની ત્રણ મુખ્ય ઓઈલ કંપનીઓ - ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ સંયુક્ત રીતે અમેરિકા સાથે આ એલપીજી આયાત કરાર કર્યો છે. આ કરાર એક વર્ષ માટે છે અને તે હેઠળ અમેરિકાના 'ગલ્ફ કોસ્ટ' પરથી સીધો ગેસ ભારતીય બંદરો પર લાવવામાં આવશે.
ડીલનું ગણિત: કુલ આયાતના 10% અમેરિકાથી આવશે
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું LPG બજાર છે. ગેસના પુરવઠા માટે આપણે અત્યાર સુધી મર્યાદિત દેશો પર નિર્ભર હતા, પરંતુ હવે ભારત પોતાના 'સોર્સિંગ' (Sourcing) માં વિવિધતા લાવી રહ્યું છે. આ કરાર મુજબ, ભારત અમેરિકા પાસેથી આશરે 2.2 MTPA ગેસ ખરીદશે, જે ભારતની કુલ વાર્ષિક આયાતના લગભગ 10% જેટલો હિસ્સો છે. આ 'સ્ટ્રક્ચર્ડ કોન્ટ્રાક્ટ' હોવાથી ભારતને લાંબા ગાળે ફાયદો થશે અને પુરવઠો ખોરવાશે નહીં.
શું ગેસના ભાવ ઘટશે?
સામાન્ય માણસ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ કરારથી ગેસના ભાવમાં ઘટાડો થશે? મંત્રી પુરીએ સંકેત આપ્યો કે આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નાગરિકોને સુરક્ષિત અને પોસાય તેવા ભાવે ગેસ પૂરો પાડવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, જ્યારે વૈશ્વિક બજારમાં ગેસના ભાવમાં 60% સુધીનો ઉછાળો આવ્યો હતો, ત્યારે પણ ભારતે સ્થાનિક ભાવ કાબૂમાં રાખ્યા હતા." સરકારે ગયા વર્ષે ગ્રાહકો પર બોજ ન વધે તે માટે ₹40,000 કરોડથી વધુની સબસિડી આપી હતી. હવે અમેરિકા સાથેની આ સીધી ડીલથી પડતર કિંમત નીચી લાવવામાં મદદ મળશે, જેનો સીધો લાભ ભવિષ્યમાં ગ્રાહકોને મળી શકે છે.
2026 થી શરૂ થશે સપ્લાય
આ ડીલને સફળ બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી IOCL, BPCL અને HPCL ના ઉચ્ચ અધિકારીઓની ટીમ અમેરિકાના પ્રવાસે હતી. ત્યાંના મુખ્ય ગેસ ઉત્પાદકો સાથે લાંબી ચર્ચાઓ બાદ આ સમજૂતી થઈ છે. આ ખરીદી પ્રક્રિયા 'માઉન્ટ બેલેવ્યુ' (Mt. Belvieu) બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. કરાર મુજબ, અમેરિકાથી એલપીજીનો સપ્લાય વર્ષ 2026 માં શરૂ થશે. આ પગલું ભારતની એનર્જી સિક્યુરિટી માટે ખૂબ જ વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.





















