માર્કેટમાં આવશે 20 રૂપિયાની નવી નોટ, RBIએ જુની નોટોને લઇને કરી આ સ્પષ્ટતા
20 Rupee New Note : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે 20 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં આવશે. તેના પર RBI ગવર્નર સંજય મલ્હોત્રા હસ્તાક્ષર કરશે.

20 Rupee New Note: ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં મહાત્મા ગાંધી શ્રેણી (નવી) હેઠળ 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. તેના પર નવા RBI ગવર્નર સંજય મલ્હોત્રા હસ્તાક્ષર કરશે. આ નવી નોટોની ડિઝાઇન અને ફીચર હાલની 20 રૂપિયાની નોટો જેવી જ રહેશે, ફક્ત સહી અપડેટ કરવામાં આવશે. તેનો અર્થ એ કે રંગ, કદ, સુરક્ષા સુવિધાઓ બધું જ સમાન રહેશે. આ ફેરફાર એક સામાન્ય પ્રક્રિયા છે જે RBI ગવર્નર બદલાયા પછી થાય છે.
હવે 20 રૂપિયાની જૂની નોટોનું શું?
સંજય મલ્હોત્રાએ 11 ડિસેમ્બર, 2024ના રોજ ત્રણ વર્ષના કાર્યકાળ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 26મા ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે અગાઉના ગવર્નરોના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી તમામ 20 રૂપિયાની નોટો ચલણમાં રહેશે.
RBI એક્ટ, 1934 ની જોગવાઈઓ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલી બધી નોટો ભારતમાં વ્યવહારો માટે સંપૂર્ણપણે માન્ય રહેશે જ્યાં સુધી તે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં ન આવે.
આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા જારી કરાયેલ 1 રૂપિયાની નોટ પણ કાનૂની ટેન્ડર છે. બેંક નોટ છાપવાનું કામ ચાર પ્રિન્ટિંગ પ્રેસમાં થાય છે. આમાંથી બે ભારત સરકાર દ્વારા સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત છે.
જૂની નોટો બદલવાની જરૂર નથી
આ 20 રૂપિયાની નોટમાં મહાત્મા ગાંધીનું ચિત્ર વધુ સ્પષ્ટ રીતે દેખાશે. આ ઉપરાંત, નંબરિંગ પેટર્ન, વોટર માર્ક અને સુરક્ષા થ્રેડને પણ મજબૂત બનાવવામાં આવશે. તેના પ્રકાશન સાથે, બજારમાં વ્યવહારો માટે જૂની અને નવી બંને નોટોનો ઉપયોગ કરી શકાશે. આનો અર્થ એ થયો કે નવી નોટો આવ્યા પછી પણ જૂની નોટો બદલવાની કે બેંકમાં જમા કરાવવાની જરૂર રહેશે નહીં. નવી નોટો બેંકો અને એટીએમ દ્વારા વહેંચવામાં આવશે.





















