AI કંપની Nvidiaએ રચ્યો ઈતિહાસ, પાંચ ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે બની વિશ્વની પ્રથમ કંપની
Nvidia Becomes First $5 Trillion Firm: નિષ્ણાતોના મતે, આ ઉછાળો AI ચિપ્સની માંગ, ડેટા સેન્ટર રોકાણો અને જનરેટિવ AI ના કારણે છે.

Nvidia Becomes First $5 Trillion Firm: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્રાંતિ વચ્ચે અમેરિકન ચિપમેકર NVIDIA એ એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. મંગળવારે કંપનીની માર્કેટ કેપ 5 ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ હતી.આ સિદ્ધિ હાંસલ કરનારી વિશ્વની પ્રથમ કંપની બની હતી.
જૂન 2023માં NVIDIA એ સૌપ્રથમ 1 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપને વટાવી દીધી. આ પછી કંપનીએ આગામી 12 મહિનામાં જબરદસ્ત ગતિ મેળવી હતી. ફેબ્રુઆરી 2024માં 2 ટ્રિલિયન ડોલર અને પછી જૂન 2024માં 3 ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરીને Nvidia એ ટેકનોલોજી ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. હવે ઓક્ટોબર 2025માં 5 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે તે વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી કંપની બની છે. નિષ્ણાતોના મતે, આ ઉછાળો AI ચિપ્સની માંગ, ડેટા સેન્ટર રોકાણો અને જનરેટિવ AI ના કારણે છે.
ટ્રમ્પના નિવેદન પછી શેરમાં ઉછાળો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ NVIDIAના શેરમાં લગભગ 5 ટકાનો ઉછાળો આવ્યો, જેના કારણે કંપનીનું માર્કેટ કેપ એક જ દિવસમાં 300 બિલિયન ડોલરનો વધારો થયો. બજાર નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પના નિવેદનથી AI ક્ષેત્ર માટે સરકારી રોકાણ અને કર પ્રોત્સાહનોમાં વધારો થવાનો સંકેત મળ્યો, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
Nvidiaની સફળતા AI ટેકનોલોજીની વધતી માંગને કારણે છે. કંપનીની ચિપ્સ હાલમાં OpenAI, Google, Microsoft અને Meta જેવી વિશ્વની ઘણી ટોચની AI કંપનીઓના ડેટા સેન્ટરોમાં ઉપયોગમાં લેવાય છે. ગયા વર્ષે કંપનીના શેરમાં 350 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. વિશ્લેષકો આગાહી કરે છે કે AI સર્વર્સ અને ચિપ્સની માંગમાં વધારો થવાને કારણે આગામી મહિનાઓમાં કંપનીની આવક વધુ ઝડપથી વધી શકે છે.
ભારતના GDP કરતા મોટી કંપની
Nvidiaનું માર્કેટ કેપ હવે ભારતના GDP (આશરે 4.19 ટ્રિલિયન ડોલર) કરતાં વધી ગઈ છે. આ સરખામણીએ સોશિયલ મીડિયા પર પણ હલચલ મચાવી છે, જ્યાં ઘણા યુઝર્સને તેને "AI યુગનો Apple મોમેન્ટ" કહી રહ્યા છે. Nvidia ની સિદ્ધિને વૈશ્વિક ટેક ક્ષેત્ર માટે એક વળાંક માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે આગામી વર્ષોમાં એઆઈ આધારિત હાર્ડવેર અને સોફ્ટવેરમાં અભૂતપૂર્વ રોકાણ જોવા મળશે.
ઘણી સરકારો હવે ખાસ કરીને AI ઇકોસિસ્ટમ માટે નીતિઓ બનાવી રહી છે
Nvidia નું 5 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ ફક્ત એક કંપનીની સફળતા જ નહીં, પરંતુ AI યુગની શરૂઆત દર્શાવે છે. જ્યારે તે અમેરિકન ટેકનોલોજી ઉદ્યોગની તાકાત દર્શાવે છે, તે વિશ્વને સંદેશ પણ આપે છે કે ભવિષ્ય તેનું જ છે જે એઆઈ અપનાવશે





















