RBI New Order: RBI એ ગ્રાહકોના હિતમાં આપ્યો આદેશ, કહ્યુ- જો બેન્કો આ ડોક્યુમેન્ટ આપવામાં મોડું કરશે તો થશે દંડ
RBI New Order: પ્રોપર્ટી પર લોનના મામલે ભારતીય રિઝર્વ બેન્કે ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે
RBI New Order: પ્રોપર્ટી પર લોનના મામલે ભારતીય રિઝર્વ બેન્કે ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હવે જો બેન્કો અથવા NBFC લોનની ચુકવણી કર્યા પછી પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવામાં વિલંબ કરશે તો તેમણે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. રિઝર્વ બેન્કે બુધવારે સવારે આ અંગે નવો આદેશ જાહેર કર્યો છે.
To address the issues faced by the borrowers and towards promoting responsible lending conduct among the Regulated Entities, RBI issues directions -- The Regulated Entities shall release all the original movable/immovable property documents and remove charges registered with any… pic.twitter.com/ZPc8xCn49n
— ANI (@ANI) September 13, 2023
આરબીઆઇને ફરિયાદો મળી રહી હતી
રિઝર્વ બેન્કે આ આદેશ નાની ફાઇનાન્સ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, NBFCs, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ સહિત તમામ કોમર્શિયલ બેન્કોને મોકલ્યો છે. વાસ્તવમાં રિઝર્વ બેન્કને એવી ફરિયાદો મળી રહી હતી કે ગ્રાહકોએ લોનની સંપૂર્ણ ચુકવણી અથવા સેટલ કર્યા પછી પણ બેન્કો અને NBFC વગેરે મિલકતના દસ્તાવેજો સબમિટ કરવામાં વિલંબ કરી રહી છે. રિઝર્વ બેન્કે કહ્યું કે આ વિલંબને કારણે વિવાદ અને મુકદ્દમા જેવી સ્થિતિઓ ઊભી થઈ રહી છે.
શું કહે છે ફેર પ્રેક્ટિસ કોડ?
સેન્ટ્રલ બેન્કે તમામ સંબંધિત નાણાકીય સંસ્થાઓને તાજેતરના આદેશમાં રિસ્પોન્સિબલ લેન્ડિંગ કંડક્ટ એટલે કે જવાબદાર ધિરાણ આચરણની યાદ અપાવી હતી. આરબીઆઈનો ફેર પ્રેક્ટિસ કોડ આ સંદર્ભમાં સ્પષ્ટ સૂચનાઓ આપે છે કે જો ગ્રાહક પ્રોપર્ટી લોનના તમામ હપ્તાઓ ચૂકવે છે અથવા લોન સેટલ કરી લે છે તો આવી સ્થિતિમાં તેને તરત જ મિલકતના દસ્તાવેજો મળી જવા જોઇએ.
રિઝર્વ બેન્કે આટલો સમય આપ્યો
સેન્ટ્રલ બેન્કના તાજેતરના આદેશમાં જણાવાયું છે કે તમામ નિયમનકારી સંસ્થાઓ (વાણિજ્યિક બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, NBFCs અને એસેટ રિકંસ્ટ્રક્શન કંપની વગેરે) એ લોનના તમામ હપ્તાઓ મળવા અથવા સેટલ થવાના 30 દિવસની અંદર ગ્રાહકોને તમામ ઓરિજનલ દસ્તાવેજો પાછા આપવા પડશે. ગ્રાહકોને એ ઓપ્શન આપવામાં આવે કે તે પોતાની સુવિધા અનુસાર અથવા તો સંબંધિત બ્રાન્ચમાંથી આ દસ્તાવેજો લઇ શકે છે. અથવા તો તે બ્રાન્ચ અથવા જ્યાં દસ્તાવેજો રાખવામાં આવ્યા છે તે ઓફિસમાંથી પણ દસ્તાવેજો પરત લઇ શકે છે.
બેન્કોએ આ કામ કરવાનું રહેશે
તમામ બેન્કોને સલાહ આપવામાં આવી છે કે તે લોનના સેક્શન લેટરમાં તમામ દસ્તાવેજો પરત કરવાની તારીખ અથવા સ્થળનો ઉલ્લેખ કરે. જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં બેન્કોએ તમામ દસ્તાવેજો કાયદેસરના વારસદારને પરત કરવા અંગે સ્પષ્ટ પ્રક્રિયા નક્કી કરવી પડશે અને તેમની વેબસાઇટ પર આ પ્રક્રિયા વિશેની માહિતી પણ દર્શાવવી પડશે.
5 હજાર રૂપિયા પ્રતિ દિવસનો દંડ
જો બેન્ક અથવા અન્ય સંબંધિત સંસ્થાઓ નિર્ધારિત સમયની અંદર એટલે કે લોનની ચુકવણીના 30 દિવસની અંદર દસ્તાવેજો પરત કરશે નહી તો આવી સ્થિતિમાં તેઓએ ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. બેન્કો અને સંસ્થાઓએ પહેલા ગ્રાહકોને વિલંબ વિશે જાણ કરવી પડશે. જો તેમના કારણે વિલંબ થાય છે તો ગ્રાહકોને વિલંબના દરેક દિવસ માટે 5000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. દસ્તાવેજને કોઈ નુકસાન થવાના કિસ્સામાં દસ્તાવેજને ફરીથી કાઢવામાં ગ્રાહકને મદદ કરવાની જવાબદારી બેન્કો અને સંબંધિત સંસ્થાઓની રહેશે.