(Source: ECI/ABP News/ABP Majha)
કામની વાતઃ IPO માં રોકાણ કરો છો તો ફટાફટ જાણો આ નવો નિયમ, SEBI એ કરી મોટી જાહેરાત
સેબીએ મ્યુચ્યુઅલ ફંડના ફી માળખામાં એટલે કે કુલ ખર્ચના ગુણોત્તરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
SEBI Board Meet: શેરબજારના નિયમનકાર સેબીએ IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટી રાહત આપી છે. આઈપીઓ લાવનારી કંપનીઓએ હવે ઈસ્યુ બંધ થયાના ત્રણ દિવસ પછી જ આઈપીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવવાનો રહેશે. સેબીની બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેબીના આ નિર્ણયથી IPOના લિસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનશે. આ સાથે, જે રોકાણકારોને IPOમાં અરજી પર શેર ફાળવવામાં આવશે નહીં, તેઓને તેમના પૈસા ટૂંક સમયમાં પાછા મળી જશે.
સેબીના ચેરપર્સન માધાબી પુરી બૂચે બોર્ડની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી છે. સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને લઈને પણ મોટો નિર્ણય લીધો છે. સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે ડિસ્ક્લોઝરના ધોરણો કડક બનાવ્યા છે. હવે આવા ઓફશોર ફંડ કે જેઓ તેમના કુલ રોકાણના 50 ટકા એક જ કોર્પોરેટ જૂથમાં કરે છે તેમણે તેમના તમામ રોકાણકારોના નામ જાહેર કરવા પડશે. એવું માનવામાં આવે છે કે સેબીએ FPI માટે આ નવો નિયમ હિંડનબર્ગના અદાણી ગ્રૂપના શેર અંગે જારી કરાયેલા અહેવાલને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે.
ભારતના ઇક્વિટી માર્કેટમાં રૂ. 25000 કરોડથી વધુનું રોકાણ કરનારા આવા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ તેમના તમામ રોકાણકારોના નામ જાહેર કરવા પડશે. સેબીએ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) ના સ્વૈચ્છિક ડિલિસ્ટિંગને મંજૂરી આપી છે. સેબીએ ડેટ સિક્યોરિટીઝના લિસ્ટિંગના ધોરણોમાં પણ છૂટછાટ જાહેર કરી છે.
જોકે સેબીએ મ્યુચ્યુઅલ ફંડના ફી માળખામાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે કુલ ખર્ચના ગુણોત્તરમાં કોઈ ફેરફાર થયો નથી. એવી અપેક્ષા હતી કે સેબી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર વસૂલવામાં આવતી ફી ઘટાડવાની સાથે તેનું પુનર્ગઠન કરશે. આજની બોર્ડ મિટિંગમાં આ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી.